rang rang wadaliyan - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

રંગ રંગ વાદળિયાં

rang rang wadaliyan

સુન્દરમ્ સુન્દરમ્
રંગ રંગ વાદળિયાં
સુન્દરમ્

હાં રે અમે ગ્યાં’તાં

હો રંગને ઓવારે,

કે તેજને દુવારે,

અનંતને આરે,

કે રંગ રંગ વાદળિયાં!

હાં રે અમે ઊડ્યાં

હો મોરલાને ગાણે,

કે વાયરાને વહાણે,

આશાને સુકાને,

કે રંગ રંગ વાદળિયાં!

હાં રે અમે થંભ્યાં

હો મહેલને મિનારે,

કે પંખીને ઉતારે,

ડુંગરાની ધારે,

કે રંગ રંગ વાદળિયાં!

હાં રે અમે પહોંચ્યાં

હો આભલાને આરે,

કે પૃથ્વીની પાળે,

પાણીને પગથારે,

કે રંગ રંગ વાદળિયાં!

હાં રે અમે નાહ્યાં

હો રંગને ઓવારે,

કે તેજને ફૂવારે,

કુમકુમના ક્યારે,

કે રંગ રંગ વાદળિયાં!

હાં રે અમે પોઢ્યાં

છલકંતી છોળે,

કે દરિયાને હિંડોળે,

ગગનને ગોળે,

કે રંગ રંગ વાદળિયાં!

હાં રે અમે જાગ્યાં

ગુલાલ ભરી ગાલે,

કે ચંદન ભરી ચાલે,

રંગાયાં ગુલાલે,

કે રંગ રંગ વાદળિયાં!

સ્રોત

  • પુસ્તક : મઘમઘાટ (પૃષ્ઠ ક્રમાંક 3)
  • સંપાદક : કનૈયાલાલ જોશી, કાન્તિ કડિયા
  • પ્રકાશક : હાર્દિક પ્રકાશન
  • વર્ષ : 1982