mane kahone - Children Poem | RekhtaGujarati

મને કહોને ઈશ્વર કેવા હશે!

ક્યાં રહેતા હશે, શું કરતા હશે!

ગગનની ઓઢણીમાં ચાંદા સૂરજ ને

તારાને ગૂંથનાર કેવા હશે! મને કહોને....

આંબાની ઊંચી ડાળી ચડીને,

મ્હોરોને મૂકનાર કેવા હશે! મને કહોને....

મીઠા મ્હોરોના સ્વાદ ચખાડી,

કોયલ બોલાવનાર કેવા હશે! મને કહોને....

ઊંડા સાગરનાં મોજાં ઉછાળી,

ઘૂ ઘૂ ગજવનાર કેવા હશે! મને કહોને....

મનેય મારી માડીને ખોળે

હોંશે હુલાવનાર કેવા હશે! મને કહોને....

સ્રોત

  • પુસ્તક : મઘમઘાટ (પૃષ્ઠ ક્રમાંક 63)
  • પ્રકાશક : હાર્દિક પ્રકાશન
  • વર્ષ : 1982