પપ્પા સંગીતમાં દાદા છે!
pappa sangitnaa dada chhe
ઉદયન ઠક્કર
Udayan Thakkar

તાનસેનથી પણ જ્યાદા છે
પપ્પા, સંગીતમાં દાદા છે!
ધુમ્મક ધૂમ, ધુમ્મક ધૂમ
લલકારે છે લઈને વાજું
ગીત સુરીલું, તાજું માજું
સૂર સાંભળો લીસા-લીસા
સા-રે-ગ-મ-પ-ધ-નિ-સા
ધુમ્મક ધૂમ, ધુમ્મક ધૂમ
મારા પપ્પા રોજ પરોઢે
ગાતા પંખીઓની જોડે
સુબહ-સુબહ હું આંખો ખોલું
‘સુબહાનલ્લા’ – જોરથી બોલું
ધુમ્મક ધૂમ, ધુમ્મક ધૂમ
મને કહે કે આવો બબલા
લાવો પેટી, પાવો, તબલાં
હું તો ફક્ત ચડાવી બાંયો
ઝીંકે રાખું બાંયો-દાંયો
ધુમ્મક ધૂમ- ધુમ્મક ધૂમ
નાદિર દીન્તા નીતા નારે
તિરકિટ ધુમ, તન્ની તાથા રે...
ઐયૈયો, આ તબલાંઓ તો
કેવું મદ્રાસી ગાતા રે!
ધુમ્મક ધૂમ, ધુમ્મક ધૂમ
અવાજના ઊજળા આરસથી
પપ્પા તાજમહાલ બનાવે
હું તો ઔરંગઝેબ, મને તો
માત્ર આટલું સમજમાં આવે :
ધુમ્મક ધૂમ, ધુમ્મક ધૂમ



સ્રોત
- પુસ્તક : હાક છીં હિપ્પો (પૃષ્ઠ ક્રમાંક 15)
- સર્જક : ઉદયન ઠક્કર
- પ્રકાશક : અશોક પ્રકાશન મંદિર
- વર્ષ : 2013