phoran - Children Poem | RekhtaGujarati

અમે ફોરાં રમતિયાળ છોરાં જી!

તમે છોરાં, આવો ઓરાં ઓરાં હો જી!

અમે ફોરાં, રમતિયાળ છોરાં જી!

અમે આવ્યાં આકાશથી ખેલવાને;

ધરા ધામમાં બધેય નીર રેલવાને;

અમે કેવાં! જાણે પુષ્પતોરા હો જી!

અમે ફોરાં, રમતિયાળ છોરાં જી!

સાગરની સેજ ત્યજી, કિરણે અસવારી કરી,

આકાશે ખૂબ ગીત ગુંજી, જળહેલ ભરી,

અમે આવ્યાં છોરાંને જોઈ કોરાં હો જી!

અમે ફોરાં, રમતિયાળ છોરાં જી!

“આવ રે વરસાદ” એમ છોરાંએ સાદ કર્યા;

ઊની ઊની રોટલી ને કારેલાનું શાક ધર્યાં!

ગીત ગાતાં નાચ્યાં ઢેલ મોરાં હો જી!

અમે ફોરાં રમતિયાળ છોરાં જી!

આવો છોરાં, તમે ગોરાં, ઓરાં આવો;

હર્ષે નાચો ને અંગ રૂડાં રૂડાં ભીંજાવો;

બનો તનડે ને મનડે ગોરાં ગોરાં હો જી!

અમે ફોરાં, રમતિયાળ છોરાં જી!

સ્રોત

  • પુસ્તક : પવન-પગથિયાં (પૃષ્ઠ ક્રમાંક 101)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2004