bhai bahen - Children Poem | RekhtaGujarati

હું ડાળે મલકતું ફૂલડું,

તું પલકંતી પાંદડી!

હું આભે ઝળકંતું ચાંદણું,

તું ટમકંતી તારલી!

હું ઝરમરતું ચંચળ ઝરણું,

તું નિર્ઝરતી લહરી!

હું પરભાતનું વહેલું શમણું,

તું શમણાની સુરખી!

હું ધરણીનો પાવન પાલવ,

મંજરી તું મીઠી અનેરી!

હું વાદળનું ભીનું કાજળ,

તું છે કોર રૂડી સોનેરી!

હું મોરલાનું નવલું નર્તન,

તું છે કેકા રઢિયાળી!

હું મંગલ પૂજા ને અર્ચન,

તું આરતી પાવનકારી!

હું દિગંતનો તેજ કિનારો,

તું સૃષ્ટિની અમૃતક્યારી!

સ્રોત

  • પુસ્તક : મઘમઘાટ (પૃષ્ઠ ક્રમાંક 42)
  • સંપાદક : કનૈયાલાલ જોશી, કાન્તિ કડિયા
  • પ્રકાશક : હાર્દિક પ્રકાશન
  • વર્ષ : 1982