pinjrano popat - Children Poem | RekhtaGujarati

સોનાના પિંજર ઉપર,

જડ્યા હીરા ને મોતી;

ફળ ખાવાનાં પડ્યાં છતાં,

પોપટની આંખો રોતી.

મહેલ મજાનો પિંજર ટાંગ્યું,

તરફડ તરફડ થાતો,

એકલ પોતે ઊડી જાવા,

ગાન રુદનનાં ગાતો.

સોનાના પિંજરથી તેને

ઝાડ મઝાનું લાગે;

મીઠાંમધ શાં ફળફૂલ જોતાં

અંતર બળતું આગે.

ઊડી જવાને દિલ લલચાતું,

ગુલામ રહી કાં મરવું?

સ્વતંત્રતા વિણ જીવન તેને

લાગે કડવું કડવું.

સ્રોત

  • પુસ્તક : ગીતરાણી (પૃષ્ઠ ક્રમાંક 33)
  • સંપાદક : ભાનુભાઈ પંડ્યા
  • પ્રકાશક : ઘરશાળા પ્રકાશનમંદિર
  • વર્ષ : 1945