chandaranun - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ચાંદરણું

chandaranun

કાન્તિ કડિયા કાન્તિ કડિયા
ચાંદરણું
કાન્તિ કડિયા

રમતું રમતું આવ્યું રે ઝલમલ ઝલમલ ચાંદરણું,

અંગ બધું ચમકાવ્યું રે ઝલમલ ઝલમલ ચાંદરણું.

બારીની તડમાંથી આવ્યું

પાદરના વડમાંથી આવ્યું

ઝળહળ ઝભલું લાવ્યું રે ઝલમલ ઝલમલ ચાંદરણું,

રમતું રમતું આવ્યું રે ઝલમલ ઝલમલ ચાંદરણું.

પાણીથી મેં મોઢું ધોયું

ચમકીને પાણીમાં જોયું

ન્હાવા માટે આવ્યું રે ઝલમલ ઝલમલ ચાંદરણું,

રમતું રમતું આવ્યું રે ઝલમલ ઝલમલ ચાંદરણું.

થાળીમાં તો મૂકી પૂરી

વાટકડીમાં ખીર મધુરી

જમવા માટે આવ્યું રે ઝલમલ ઝલમલ ચાંદરણું,

રમતું રમતું આવ્યું રે ઝલમલ ઝલમલ ચાંદરણું.

ઘરને ઓટે કરી પથારી

કરવા વાતો સારી સારી

લીમડે લસરી આવ્યું રે ઝલમલ ઝલમલ ચાંદરણું,

રમતું રમતું આવ્યું રે ઝલમલ ઝલમલ ચાંદરણું.

સ્રોત

  • પુસ્તક : મઘમઘાટ (પૃષ્ઠ ક્રમાંક 47)
  • સંપાદક : કનૈયાલાલ જોશી, કાન્તિ કડિયા
  • પ્રકાશક : હાર્દિક પ્રકાશન
  • વર્ષ : 1982