nindarne notrun - Children Poem | RekhtaGujarati

નીંદરને નોતરું

nindarne notrun

મકરંદ દવે મકરંદ દવે
નીંદરને નોતરું
મકરંદ દવે

ઘડીક અધઘડી આવજે રે

કે નીંદરડી!

મારી ટમીબહેનની આંખમાં આવજે રે

કે નીંદરડી!

મીઠાં મીઠાં સોણલાં લાવજે રે

કે નીંદરડી!

એક સોના-વાટકડી ઘોળજે રે

કે નીંદરડી!

મારી બેનીના પાય કંકોળજે રે

કે નીંદરડી!

એક તારા–ટીબકડી ચોડજે રે

કે નીંદરડી!

બીજ ભેળી રૂપકડી જોડજે રે

કે નીંદરડી!

આલા લીલા વાંસની વાંસળી રે

કે નીંદરડી!

મારી બેની સુણે ને ઉતાવળી રે

કે નીંદરડી!

કાંઈ નીલમપરીના નિવાસમાં રે

કે નીંદરડી!

બેની ઘૂમે છે રમઝટ રાસમાં રે

કે નીંદરડી!

જાણે ફોરમતી ફૂલની ફૂદડી રે

કે નીંદરડી!

મારી બેનીની નવરંગ ચૂંદડી રે

કે નીંદરડી!

જાય લળી લળી પરીઓ વારણે રે

કે નીંદરડી!

મારી બેનીના પોપટ-પારણે રે

કે નીંદરડી!

કાંઈ ચાંદનીની ચાદર ઓઢાડજે રે

કે નીંદરડી!

મારી બેનીને પ્રીતે પોઢાડજે રે

કે નીંદરડી!

સ્રોત

  • પુસ્તક : ઝબૂક વીજળી ઝબૂક - ભાગ ૧ (પૃષ્ઠ ક્રમાંક 42)
  • સર્જક : મકરન્દ દવે
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1991
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ