nindarna game ! - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

નીંદરના ગામે...!

nindarna game !

કનૈયાલાલ જોશી કનૈયાલાલ જોશી
નીંદરના ગામે...!
કનૈયાલાલ જોશી

મારા નીંદરના ગામે....

નીંદરના ગામે આવી રાજા ઈંદરની પરી!

એની સોનલ પાંખે હોંશે અસવારી મેં તો કરી!

ગીતોના દેશમાં, રૂપાળા વેશમાં....!

નીરખી બાળટોળી મારી આંખડી ઠરી,

નીંદરના ગામે આવી રાજા ઈંદરની પરી!

–મારા નીંદરના.

કાને કુંડળ કલરવ તણાં,

ગુંથ્યા માળામાં ટહુકા ઘણા,

મીઠડાં સ્મિતને લીધા ઝીલી ખોબલે ભરી,

નીંદરના ગામે આવી રાજા ઇંદરની પરી!

–મારા નીંદરના.

મેઘધનુષી અંગરખાં અંગે,

ખેલે ઉમંગે વાદળ સંગે,

પાવાના પૂરમાં ઝીલ્યાં છબછબિયાં જરી,

નીંદરના ગામે આવી રાજા ઈંદરની પરી!

–મારા નીંદરના.

રંગને ઓવારે નાચતાં રમે,

ફોરમના ફળિયે ભમવું ગમે,

થનગનતી છોળોને છાની છાની લીધી હરી,

નીંદરના ગામે આવી રાજા ઈંદરની પરી!

–મારા નીંદરના.

મારા નીંદરના ગામે....!

માથે મુગટ ધરી આવી રાજા ઈંદરની પરી!

ગીત-નગરની ઘૂમી ઘૂમી મુસાફરી મેં તો કરી!

–મારા નીંદરના.

સ્રોત

  • પુસ્તક : મઘમઘાટ (પૃષ્ઠ ક્રમાંક 39)
  • સંપાદક : કનૈયાલાલ જોશી, કાન્તિ કડિયા
  • પ્રકાશક : હાર્દિક પ્રકાશન
  • વર્ષ : 1982