નાની શી બહેન
naanii shii bahen
પૂજાલાલ દલવાડી
Pujalal Dalwadi

મારે છે બહેન એક નાની શી બહેન!
દેવોની બાલિકા શી નાની શી બહેન!
માને હૈયે હમેશ હેલનારી બહેન!
બાપુના ખોળામાં ખેલનારી બહેન!
ભાઈને રિઝાવનાર નાની શી બહેન!
ઘરને ઉજાળનાર નાની શી બહેન!
કાલા કાલા બોલ બોલનારી બહેન!
બુલબુલના ગાનને લજાવનારી બહેન!
મીઠું મીઠું હસી હસાવનારી બહેન!
હેત હેત હૈયે જગાવનારી બહેન!
બીજચંદ્રની કલા સમાન નાની બહેન!
સોળે કળાની આશ આપનારી બહેન!
મારે છે બહેન એક નાની શી બહેન!
દેવોની બાલિકા શી નાની શી બહેન!



સ્રોત
- પુસ્તક : બાલ ગુર્જરી (પૃષ્ઠ ક્રમાંક 8)
- સર્જક : પૂજાલાલ દલવાડી
- પ્રકાશક : શ્રી અરવિંદ આશ્રમ, પોંડિચેરી
- વર્ષ : 1980