રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોમુંબઈ કેરા પ્રાણીબાગમાં ભમભમ હિપ્પો વસતો જી
મળવા આવે એની સામે ધીમું ધીમું હસતો જી
કુલ્ફીવાળા કરીમચાચા હિપ્પો જોઈ હરખાયા
ડબલામાંથી કેસર-કુલ્ફી આપી દેવા લલચાયા
એક આપી ને બે આપી, પણ હિપ્પો કહે કે હજી, હજી!
એક ડઝન કુલ્ફી ખાઈને, ‘થેંક્યું’ બોલ્યા હિપ્પોજી
બીજી સવારે મોર ટહુક્યા, વાનર બોલ્યા : હૂપ રે હૂપ
હિપ્પો બોલ્યો : હાક છીં! હાક છીં! બધા ડરીને બેઠા ચૂપ
હિપ્પોને તો શરદી એવી થઈ ભયંકર : હાક છીં, હાક!
મિલના ભૂંગળા જેવો એનો અવાજ ડેંજર : હાક છીં, હાક!
વાનર નીચે ગબડી જાય, પોપટ પણ માળે સંતાય
છીંકાછીંકની બીકથી રાજા સિંહની ચડ્ડી ઢીલ્લી થાય.
હાક છીં, હાક છીં, હાક છીં, હાક!
હાક છીં, હાક છીં, હાક છીં હાક!
વાઘણ પાછળ લપાઈ જઈને વાઘ બિચારો ડૂસકાં ભરે
મગરભાઈ પણ કૉસ્ચ્યુમ ઘાલી તળાવના પાણીમાં સરે
હાક છીં, હાક છીં, હાક છીં, હાક!
હાક છીં, હાક છીં, હાક છીં, હાક!
છીંકથી જાન બચાવો રે! હિપ્પોને અટકાવો રે
પ્રાણીબાગની ચોકી મૂકી ગુરખાઓ દોડ્યા ફટફટ
ઈસ્પિતાલ પહોંચીને મોટા ડૉક્ટરને લાવ્યા ઝટઝટ
કેટલી કુલ્ફી ઝાપટી હિપ્પો? બહુ વઢ્યા છે ડૉક્ટરજી
અને પછી હિપ્પાની બગલે ખોસ્યું થર્મોમીટરજી
‘વિક્સ’ની મોટી બરણી લાવી, બરડા ઉપર ચોળે છે
નીલગિરિના ગરમ તેલમાં પૂંછડીને પણ બોળે છે
સ્વેટરવાળો હાક છીં હિપ્પો જોવાનો બહુ ગમે
હું ને રેણુ જોઈ આવ્યાં, ક્યારે જાશો તમે?
સ્રોત
- પુસ્તક : હાક છીં હિપ્પો (પૃષ્ઠ ક્રમાંક 1)
- સર્જક : ઉદયન ઠક્કર
- પ્રકાશક : અશોક પ્રકાશન મંદિર
- વર્ષ : 2013