mosaliyun - Children Poem | RekhtaGujarati

મોસાળિયું

mosaliyun

મહિપતરામ જોષી મહિપતરામ જોષી

કેવું ગમે રે કેવું ગમે, મામાનું ગામડું કેવું ગમે!

રે’વું ગમે રે રે’વું ગમે, મામાના ગામમાં રેવું ગમે.

ગામને ગોંદરે નાનકડી નદીએ (2)

નિત નિત નાહવા જાતાં અમે—મામાનું...

ગોરી ગાવલડીનાં મીઠેરાં દૂધડાં (2)

પીતાં પીતાં ના ધરાતાં અમે—મામાનું...

ખુલ્લાં મેદાનમાં ખંતેથી ખેલતાં (2)

દોડી દોડી રાજી થાતાં અમે—મામાનું...

પોપટ, મેના ને કાળી કોયલ સંગાથમાં (2)

મીઠાં મીઠાં ગીત ગાતાં અમે—મામાનું...

ભાંડરડાં જેવાં ભોળાં ભેરુઓમાં (2)

પ્રેમરસ પીતાં ને પાતાં અમે—મામાનું...

મામા રમાડે, મામી લાડુ જમાડે (2)

એવં મોંઘું મોસળિયું સૌને ગમે—મામાનું...

સ્રોત

  • પુસ્તક : ગીતરાણી (પૃષ્ઠ ક્રમાંક 49)
  • સંપાદક : ભાનુભાઈ પંડ્યા
  • પ્રકાશક : ઘરશાળા પ્રકાશનમંદિર
  • વર્ષ : 1945