mor - Children Poem | RekhtaGujarati

આવ રૂપાળા મોર,

મારે ઘર આવ રૂપાળા મોર.

પાણીડાં પાઉં ને ચણ નંખાવું

ચોકમાં ચારે કોર–મારે.

ઢેંકૂક ઢેંકૂક કરતી તારી

ઢેલને સાથે લાવ

ફેર કુદરડી ફરતાં તારાં

ગીત મને સંભળાવ–મારે.

જો પેલો મેહુલો ગાજે ને વીજે

તેને તું અહીં બોલાવ;

બોલ હું બોલાવું સાદ ઊંચેથી

આવ મેઆવ મેઆવ–મારે.

તારા પીંછામાં હીરલા ઝબુકે

શોભીતા સુંદર રંગ

નાચ કળા કરી નાચ ઉમંગે

હું પણ નાચું સંગ–મારે.

સ્રોત

  • પુસ્તક : બાળગીતો- 2 (પૃષ્ઠ ક્રમાંક 43)
  • સંપાદક : સોમાભાઈ ભાવસાર
  • પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
  • વર્ષ : 1978
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ