agiyo - Children Poem | RekhtaGujarati

બનું જો આગિયો હો રાજ!

રૂપાળો આગિયો હો રાજ!

તો હું ઝબૂક ઝબૂકી જાઉં,

તો હું ચમકું ને બુઝાઉં,

તો હું અંધારે મલકાઉં,

પલકતો આભલે હો રાજ!

બનું જો આગિયો હો રાજ!

છો ને અંધારાં ઘેરાતાં,

છો ને ઝંઝાવાત ફૂંકાતા,

ઉરનાં અજવાળાં રેલાતાં,

મલપતો આભલે હો રાજ!

બનું જો આગિયો હો રાજ!

જ્યારે મેઘલી માઝમ રાતે,

બૂઝે તારલિયા ઝપાટે,

ભૂલ્યા પંથીને પગવાટે

દોરું અજવાળે હો રાજ!

બનું જો આગિયો હો રાજ!

સ્રોત

  • પુસ્તક : ગીતરાણી (પૃષ્ઠ ક્રમાંક 34)
  • સંપાદક : ભાનુભાઈ પંડ્યા
  • પ્રકાશક : ઘરશાળા પ્રકાશનમંદિર
  • વર્ષ : 1945