મેઘધનુષ પર જાવું છે
meghdhanush par jaavun chhe
હેમેન શાહ
Hemen Shah

આભ નહીં સંભાળી શકશે
કારણ કે એ ભોળું છે,
વરસાદ છે કે તોફાન કરતા
છોકરાંઓનું ટોળું છે!
શાંત સરોવર પર લખાતું
છાંટાનું જોડકણું છે,
છબાક છબ છબ કરતું કેવું
ખાબોચિયું બોલકણું છે!
પહેલાં તો ચૂપચાપ બધા
આખો ઉનાળો રઝળે છે,
પછીથી વૃક્ષો, ઘર ને રસ્તા
મન મૂકીને પલળે છે!
નેવાંથી પડતાં ટીપાનું
નાનકડું ગીત ગાવું છે,
પાણીની સીડીથી મારે
મેઘધનુષ પર જાવું છે!
આવે વખતે ચોપડીઓમાં
ક્યાં મોં ઘાલી રહેવું છે,
એકબીજાને મળી અને
“વરસાદ મુબારક” કહેવું છે!



સ્રોત
- પુસ્તક : મેઘધનુષ પર જાવું છે (પૃષ્ઠ ક્રમાંક 88)
- સર્જક : હેમેન શાહ
- પ્રકાશક : એન. એમ. ઠક્કરની કંપની
- વર્ષ : 2000