મસ્તીમોજ
mastiimoj
અરુણિકા દરૂ
Arunika Daru

ઝાડ પર બેસી કાગડાભાઈ
તો બોલ્યા કરતા કા કા કા,
રસોડામાંથી બા બોલી ત્યાં
અલ્યા! ઊડ તું જા, જા જા.
ચકલીબાઈ તો દાણા ચણતાં
બોલ્યાં કરતાં ચીં ચીં ચીં,
ખાટે બેસી છીંકણી સૂંઘતાં
દાદી છીંક્યાં હાક છીં, છીં.
આંગણામાં ચણતાં પારેવાં
બોલ્યાં કરતાં ઘૂ ઘૂ ઘૂ,
ઓટલે બેસી પાન ચાવતાં
દાદા કરતાં હાક થૂ થૂ.
ધૂળમાં રમતા કૂકડાભાઈ
તો બોલ્યા કરતા કૂક રે કૂક,
નાની મારી ગાડી લઈને
રમતો હું તો છુક છુક છુક.
કાગડો, કૂકડો, કબૂતર, ચકલી
આંગણે મારે આવે રોજ,
ચાળા પાડી સહુના નકલી
કરતો હું તો મસ્તીમોજ.



સ્રોત
- પુસ્તક : ગુજરાતી બાળકાવ્યચયન : ૨૦૦૬ (પૃષ્ઠ ક્રમાંક 42)
- સંપાદક : નટવર પટેલ
- પ્રકાશક : ડિવાઇન પબ્લિકેશન્સ
- વર્ષ : 2008