વાહ ભૈ વાહ!
vaah bhaii vaah
યશવંત મહેતા
Yashwant Mehta

નાક ફૂંફાડે, મોં મચકોડે, પગ પછાડે – છી છી છી!
ગપ્પાં હાંકે, કરે મશ્કરી, પુસ્તક ફાડે – છી છી છી!
બોલે સાચું, નમે સહુને, બાળ રમાડે – વાહ ભૈ વાહ!
બને ઠાવકા સદાય હસતા રાત-દહાડે – વાહ ભૈ વાહ!
દહાડો આખો ધમાલ-ધાંધલ, ચડતા ઝાડે – છી છી છી!
ના નહાવું, ના ખાવું, મમ્મી રાડો પાડે – છી છી છી!
વહેલા ઊઠે, કદી ન રૂઠે, નહિ બરાડે – વાહ ભૈ વાહ!
કદી ચડે ના રખડુટોળી સાથ રવાડે – વાહ ભૈ વાહ!
ફૂલો ચૂંટે, ડાળી કાપે, છોડ ઉખાડે – છી છી છી!
પથરા મારી ઝાડ ઉપર પંખી ઉડાડે – છી છી છી!
લેસન પૂરાં, જવાબ મોઢે, કામ ઉપાડે – વાહ ભૈ વાહ!
મમ્મી-પપ્પા ભાંડર ચાહે, શોભે લાડે – વાહ ભૈ વાહ!



સ્રોત
- પુસ્તક : ગુજરાતી બાળકાવ્યચયન : ૨૦૦૬ (પૃષ્ઠ ક્રમાંક 26)
- સંપાદક : નટવર પટેલ
- પ્રકાશક : ડિવાઇન પબ્લિકેશન્સ
- વર્ષ : 2008