bhawishywetta - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ભવિષ્યવેત્તા

bhawishywetta

ચંદ્રવદન મહેતા ચંદ્રવદન મહેતા
ભવિષ્યવેત્તા
ચંદ્રવદન મહેતા

‘કાલે રજા છે, ગઈ છુંય થાકી,

વાંચીશ વ્હેલા સહુ પાઠ બાકી,

તારી હથેલી અહીં લાવ, સાચું

હું ભાઈ, આજે તુજ ભાગ્ય વાંચું.

કેવી પડી છે તુજ હસ્તરેખા!

જાણે શું લાખે નવ હોય લેખાં!

પૈસા પૂછે છે? ધનની ખામી,

જાણે અહોહો! તું કુબેરસ્વામી!

છે ચક્રચિહ્નો તુજ અંગુલિમાં,

જાણે પુરાયા ફૂટતી કળીમાં,

છે મત્સ્ય ઊંચો, જવચિહ્વ ખાસ્સાં,

ને રાજવી લક્ષણ ભાઈનાં શાં!

વિદ્યા ઘણી છે મુજ વીરલાને,

ને કીર્તિ એવી કુળહીરલાને!

આયુષ્યરેખા અતિ શુદ્ધ ભાળ,

ચિંતા કંઈ રોગ તણી તું ટાળ.

ને હોય ના વાહનખોટ ડે’લે,

બંધાય ઘોડા વળી ત્યાં તબેલે,

ડોલે સદા યે તુજ દ્ધાર હાથી,

લે બોલ જોઉં, વધુ કાંઈ આથી?

જો ભાઈ, તારે વળી એક બ્હેન,

ચોરે પચાવે તુજ પાટીપેન,

તારું લખે ઉજમાળું ભાવિ.

જાણે વિધાત્રી થઈ હોય આવી!

મારે તારે કદી ના વિરોધ

રેખા વહે છે તુજ હેતધોઘ,

હેતના ધોધ મહીં હું ન્હાઉં,

ચાંદા ઝબોળી હરખે હું ખાઉં.

ડોસો થશે, જીવન દીર્ઘ તારું,

ખોટી ઠરું તો મુજ મુક્કી હારું,

આથી જરાયે કહું ના વધારે,

કહેતાં રખે તું મુજને વિસારે!

‘જોજે, કહ્યું તે સહુ સાચું થાય,

ઈલા! પછી તો નહિ હર્ષ માય,

પેંડા પતાસાં ભરી પેટ ખાજે,

ને આજ જેવી કવિતા તું ગાજે!’

સ્રોત

  • પુસ્તક : ચઢો રે શિખર રાજા રામનાં (પૃષ્ઠ ક્રમાંક 36)
  • સંપાદક : મોહનભાઈ પટેલ, ચિનુ મોદી
  • પ્રકાશક : રૂપાલી પ્રકાશન
  • વર્ષ : 1975