nindarranine manamnan - Children Poem | RekhtaGujarati

નીંદરરાણીને મનામણાં

nindarranine manamnan

મકરંદ દવે મકરંદ દવે
નીંદરરાણીને મનામણાં
મકરંદ દવે

હળુ હળુ પગલે કાં આવે?

નીંદરરાણી, હળુ હળુ પગલે કાં આવે?

તને મારો કાનો બોલાવે,

નીંદરરાણી, હળુ હળુ પગલે કાં આવે?

ક્યાં રે ઊડે તારી પાતળી પાંખો?

ટમકે દીવો તારા જાદુનો ઝાંખો?

ખોળે થાકી મારા કાનાની આંખો

તોફાની, કાં તલસાવે?

નીંદરરાણી, હળુ હળુ પગલે કાં આવે?

શેણે થાતી બાઈ, મારગે મોડી?

વેગીલા વાયરે હાંકજે હોડી,

ગાલ ગુલાબીને ચૂમીઓ ચોડી,

વ્હાલ કાં વરસાવે?

નીંદરરાણી, હળુ હળુ પગલે કાં આવે?

મીઠું મીઠું મારો બાળુડો મરકે,

ધીમેરી પાંપણ-પાંદડી ફરકે,

ઓરાં આવી આવી સોણલાં સરકે,

લાખ રૂપે લલચાવે,

નીંદરરાણી, હળુ હળુ પગલે કાં આવે?

આવે નીંદરરાણી નાજુક નમણાં,

લાવે કુંવર કાજે સુંદર શમણાં,

બાળ મારો પોઢે જંપીને હમણાં,

માડીનું હૈયું મનાવે,

નીંદરરાણી, હળુ હળુ પગલે કાં આવે?

સ્રોત

  • પુસ્તક : ઝબૂક વીજળી ઝબૂક - ભાગ ૧ (પૃષ્ઠ ક્રમાંક 32)
  • સર્જક : મકરન્દ દવે
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1991
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ