kriket kahan - Children Poem | RekhtaGujarati

ક્રિકેટ કહાન

kriket kahan

હરીન્દ્ર દવે હરીન્દ્ર દવે
ક્રિકેટ કહાન
હરીન્દ્ર દવે

વનરાવનની ગલીઓમાં સહુ કહે ક્રિકેટર મોટો કહાન,

દિન આખો ગિલ્લી દંડાના મચવે છે ખોટાં તોફાન.

માતાપિતાને વશ ના રહેતો દોસ્તોનાં મેલાવે માન,

દંડો મારીને મટુકી ફોડે નાના મોટાનું ના ભાન.

મનમાં સમજે, હું એકલો, ગોપગોપીઓ કંઈ વિસાત,

રમનારામાં ભરાડીઓની સાવ નોખી સરજી ન્યાત.

મનમાં જો સમજે કે હું ખેલાડીઓમાં પાડું વટ,

તો એને મોકો આપી દો ટેસ્ટમેચમાં રમવા ઝટ.

નાના ગામતણી ગલીઓમાં દડા ઉડાડેથી શું વળે?

‘લોર્ડસ’ તણા મેદાને આવી રમી બતાવે તો કંઈ કળે.

ગોવાળોને ફટકાબાજી કરી આંજતો ભટકે કહાન,

એક વખત તો બેટ હાથમાં લઈ જો સામે ‘ઇમરાનખાન.’

ધીમો, ઝડપી બૉલ નાખીને ‘બોયકોટ’ને કરી જો મ્હાત,

મેહુલિયાની જેમ વરસો ‘લોઈડ’ કરી દે ખાટા દાંત.

ઝંઝાવાતી ‘થોમસન’ સામે એકવાર જો ઊભો રહે,

ભલે આઉટ થા પહેલે બૉલે તોય તને શાબાશ કહે.

ભોળી ભાળી છોકરીઓને ચતુરાઈથી આંજે કહાન,

અરે! અમારી છોકરીઓની ટીમ મહીં નહીં પામે સ્થાન.

એમ છતાં અરમાન હોય કે હું એક ખેલાડી ખાસ,

‘વાનખેડ’માં આવી રમ, રણ છોડીને કરીને નાસાનાસ.

સ્રોત

  • પુસ્તક : મઘમઘાટ (પૃષ્ઠ ક્રમાંક 29)
  • સંપાદક : કનૈયાલાલ જોશી, કાન્તિ કડિયા
  • પ્રકાશક : હાર્દિક પ્રકાશન
  • વર્ષ : 1982