karo ramakdan kuch kadam - Children Poem | RekhtaGujarati

કરો રમકડાં કૂચકદમ

karo ramakdan kuch kadam

મકરંદ દવે મકરંદ દવે
કરો રમકડાં કૂચકદમ
મકરંદ દવે

ટરરર ટરરર ઢમ ઢમ ઢમ

કરો રમકડાં કૂચકદમ!

હાથીભાઈ ચાલે આગળ

પીછે ઊંટ સવારી;

ખડાક ખડદડ ઘોડા દોડે

દેખો અજબ ખુમારી;

સૌના રક્ષક સૈનિક હમ

કરો રમકડાં કૂચકદમ!

ઉપર ઘરરર વિમાન ગરજે

નીચે લશ્કર-ગાડી;

ભરી બંદૂકે બંદા સાથે

ચાલે હાકલ પાડી :

'હોશિયાર'નો કરું હુકમ

કરો રમકડાં કૂચકદમ!

બા તો હોઠે ધરે આંગળી

બાપા અચરજ પામે;

મોટાભાઈ પૂછે ચડાઈ

કરી કહો કયા ગામે?

કહો ખુદાના ખાઈ કસમ

કરો રમકડાં કૂચકદમ!

ટેબલ ઉપર ચડી ગૌરવે

બંદા કાઢી છાતી

કહે હિંદના રક્ષણ કાજે

સેના કાશ્મીર જાતી :

હસનારાને થતી શરમ

કરો રમકડાં કૂચકદમ!

ટરરર ટરરર ઢમ ઢમ ઢમ

કરો રમકડાં કૂચકદમ!

સ્રોત

  • પુસ્તક : ઝબૂક વીજળી ઝબૂક - ભાગ ૧ (પૃષ્ઠ ક્રમાંક 19)
  • સર્જક : મકરન્દ દવે
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1991
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ