હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠાં
hun ne chandun chhaanaamaanaa kaatriyaamaan bethaa

હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠાં
hun ne chandun chhaanaamaanaa kaatriyaamaan bethaa
રમેશ પારેખ
Ramesh Parekh

હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠાં,
લેસન પડતું મૂકી ફિલમ ફિલમ રમવા બેઠાં.
મમ્મી પાસે દોરી માંગી, પપ્પાની લઈ લૂંગી,
પરદો બાંધી અમે બનાવી ફિલમ મૂંગી મૂંગી…
દાદાજીનાં ચશ્માંમાંથી કાઢી લીધો કાચ,
એનાથી ચાંદરણા પાડ્યાં પરદા ઉપર પાંચ
ચંદુ ફિલમ પાડે ત્યારે જોવા આવું હું,
હું ફિલમ પાડું તો જોવા આવે છે ચંદુ
કાતરિયામાં છુપાઈને બેઠી’તી બિલ્લી એક,
ઊંદરડીને ભાળી એણે તરત લગાવી ઠેક
ઊંદરડી છટકી ને બિલ્લી ચંદુ ઉપર આવી
બીક લાગતાં ચંદુ સાથે ચીસો મેં ગજાવી
દોડંદોડા ઉપર આવી પહોંચ્યાં મમ્મી-પપ્પા
ચંદુડિયાનો કાન આમળ્યો, મને લગાવ્યા ધપ્પા



સ્રોત
- પુસ્તક : ગુજરાતી બાળકાવ્યોની સપ્તધારા (પૃષ્ઠ ક્રમાંક 218)
- સંપાદક : શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 2024