holi - Children Poem | RekhtaGujarati

રંગ લ્યોને, રંગ લ્યોને, હોળીનો રંગ લ્યોને!

જીવનને રંગે ભરી દ્યોને હોળીનો રંગ લ્યોને!

વગડે તો ફૂલડાંનાં લૂમખે લૂમખાં,

આંબે મંજરીઓનાં ઝૂમખે ઝૂમખાં,

ચલો કુદરતનો સાજ પે’રી લ્યોને, હોળીનો રંગ લ્યોને!

રંગ લ્યોને, રંગ લ્યોને, હોળીનો રંગ લ્યોને!

કરતી કિલ્લોલ જુઓ પંખીની સેના,

ટહુકે કોયલ, બોલે પોપટ ને મેના,

કોઈ એને જઈ વાત કહોને, હોળીનો રંગ લ્યોને!

રંગ લ્યોને, રંગ લ્યોને હોળીનો રંગ લ્યોને!

શેરીમાં ફરતી’તી વાનરની ટોળી,

જઈને પિચકારીએ રંગ લે ધોળી,

કહે હોળીનો પૈસો દ્યોને, હોળીનો રંગ લ્યોને!

રંગ લ્યોને, રંગ લ્યોને, હોળીનો રંગ લ્યોને!

સ્રોત

  • પુસ્તક : બાળગીતો- 2 (પૃષ્ઠ ક્રમાંક 39)
  • સંપાદક : સોમાભાઈ ભાવસાર
  • પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
  • વર્ષ : 1978
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ