એક હતી બહેન ને એક હતો ભાઈ
ek hati bahen ne ek hato bhai
નીતા રામૈયા
Nita Ramaiya

એક હતી બહેન ને એક હતો ભાઈ
ગીત ગાતાં દરિયે જાતાં
શંખલાં વીણતાં હોડી કરતાં
હોડીમાં બેસતી માછલીબાઈ
એની કેવી તો નવાઈ ભાઈ કેવી તો નવાઈ.
એક હતી બહેન ને એક હતો ભાઈ
ગીત ગાતાં ટેકરી ચડતાં
પાણાં વીણતાં મહેલ કરતાં
મહેલમાં ઝૂલતી મીરાંબાઈ
એની કેવી તો નવાઈ ભાઈ કેવી તો નવાઈ
એક હતી બહેન ને એક હતો ભાઈ
ગીત ગાતાં ઝાડે ચડતાં
પાંદડાં વીણતાં ઘોડિયું કરતાં
ઘોડિયામાં સૂતી કોયલબાઈ
એની કેવી તો નવાઈ ભાઈ કેવી તો નવાઈ
એક હતી બહેન ને એક હતો ભાઈ
ગીત ગાતાં નિશાળે જાતાં
ડાહ્યા થઈને ભણવા બેસતાં
મનમાં કૂદતી વાંદરીબાઈ
એની કેવી તો નવાઈ ભાઈ કેવી તો નવાઈ.



સ્રોત
- પુસ્તક : ધમાચકડી (પૃષ્ઠ ક્રમાંક 18)
- સર્જક : નીતા રામૈયા
- પ્રકાશક : કિશોરીલાલ રામૈયા
- વર્ષ : 1986