bhai ne ben - Children Poem | RekhtaGujarati

ભાઈ ને બેન

ભાઈ ને બેન

બાળાં ભોળાં રે એક ભાઈ ને બેન.

હેરી ગયા ચોર

ચોરી ગયા ચોર

રમતાં ભાંડું ને ચાર ચોરી ગયા ચોર.

નાસી ગયા ચોર

ભાગી ગયા ચોર

વનમાં મુકીને ચાર નાસી ગયા ચોર.

ઘોર ઘોર રાત

કાળી ઘોર રાત

સૂરજ ચાલ્યા ને રહી ઘોર ઘોર રાત.

નીંદર ઘેરાય

નીંદર ઘેરાય

રોતાં ને ધ્રુસકતાં નીંદર ઘેરાય.

વા’ણાં વાયાં

વા’ણાં વાયાં

સૂતેલાં ભાઈ-બેન સૂતાં રિયાં.

ટોળે વળ્યાં

ટોળે વળ્યાં

તેતર કાગા ને મોર ટોળે વળ્યાં.

ઢુંગે વળી

ઢુંગે વળી

કાબર મેના ને ઢેલ ઢુંગે વળી.

લીલવડાં પાંદ

કુંપળડાં પાંદ

તોડી લાવ્યાં તમામ લીલવડાં પાંદ.

ઓઢાડી સોડ

ઓઢાડી સોડ

લીલવડાં પાંદડાંની ઓઢાડી સોડ.

ગીતો ગાયાં

હાલાં ગાયાં

પાસે બેસીને ખૂબ ગીતો ગાયાં.

નીંદર કરજો!

નીંદર કરજો!

નાનેરાં ભાઈ-બેન નીંદર કરજો!

(1936)

સ્રોત

  • પુસ્તક : સોના નાવડી (પૃષ્ઠ ક્રમાંક 223)
  • સંપાદક : જયંત મેઘાણી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1997