કિશોર ખારવાનું ગીત
kishor khaarvaanun giit
કિરીટ ગોસ્વામી
Kirit Goswami

આખ્ખોયે દરિયો છે તરવો
આજ મારે! આખ્ખોયે દરિયો છે તરવો
બાપુની જેમ હુંય ખેપ ઉપર જાઉં
ને લઈ જાઉં નાનેરો મછવો! આજ૦
કોડાં ભરેલ બેઉ મૂઠ્ઠી ખોલીને હવે હલ્લેસાં લેવાં છે હાથમાં
રેતીમાં રમવાનું છોડીને તોફાની મોજાંઓ ભરવાં છે બાથમાં!
દૂર દેશ-દેશાવર જાવું છે મારે તો
રસ્તે મુકામ નથી કરવો! આજ૦
માનાં આંસુડાંને ઉત્સવમાં ફેરવીને કરવી છે એક દી’ ઉજાણી,
સાતે પાતાળ તણા રસ્તા લેવા છે મારે દરિયાની પાસેથી જાણી,
મોતીનો મબલખ ભંડાર પછી ખોલીને
આંગણિયે મારે પાથરવો! આજ૦



સ્રોત
- પુસ્તક : ગુજરાતી કવિતાચયન : 1996 (પૃષ્ઠ ક્રમાંક 31)
- સંપાદક : નરોત્તમ પલાણ
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ
- વર્ષ : 1998