chundDi - Children Poem | RekhtaGujarati

ચૂંદડી ચૌદ લોકમાં ગોતું,

આભમાં ગોતું

ગોળમાં ગોતું

સાત પાતળે ઘૂમતી ગોતું–ચૂંદડી.

ચૂંદડી ચાર રંગમાં બોળી

લાલપીળા પરભાતમાં બોળી

ચાંદની પૂનમ રાતમાં બોળી

વીજળીકેરા હોજમાં બોળી

મેઘધનુના ધોધમાં બોળી–ચૂંદડી.

ચૂંદડી ચારલોકમાં ઓઢું

માનસરોવર ઝીલતી ઓઢું

આભની વેલ્યે વીણતી ઓઢું

ડુંગર ડુંગર દોડતી ઓઢું

વાયરા ઉપર પોઢતી ઓઢું–ચૂંદડી.

ચૂંદડી ચાર છેડલે ફાટી

રાસડા લેતાં

તાળીઓ લેતાં

સાગરે નહાતાં નીરમાં ફાટી–ચૂંદડી.

સ્રોત

  • પુસ્તક : બાળગીતો- 2 (પૃષ્ઠ ક્રમાંક 52)
  • સંપાદક : સોમાભાઈ ભાવસાર
  • પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
  • વર્ષ : 1978
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ