
બાલક બહુ રૂપાળું! ભરી ભરીને નેણ હું તો ન્યાળું!
ગાલે છે ખંજન, આંખે છે અંજન, બોલે શું કાલું કાલું! બાલક૦
વહાણા મહીં એ વહેલું ઉઠે ને પહેલું ધરે મુખ પ્યાલું. બાલક૦
બેસે એ ખસતું, ફરે છે હસતું, હેતે ઝડપથી હું તો ઝાલું. બાલક૦
કાને કડી, એને હાથે છે કલ્લી, કેડે સોહે કડીઆળું. બાલક૦
ઘુંટણે ભમતું, ભાવેથી જમતું, પાનબીડી હાથે આલું. બાલક૦
બેસે ઘુંટણીએ બારી ને ઓટલે, બેસી હશે રઢીઆળું. બાલક૦
પડતું આખડતું રાખું હું રડતું, મુખમાં સાકર ઘાલું. બાલક૦
પારણીએ પોઢે, ઓઢણ ઓઢે, ખાંતે હું એને હીંચોળું. બાલક૦
બાપ બોલાવે, એના કાકા હુલાવે, દાદી હું દુઃખડાં ટાળું. બાલક૦
માતાને વ્હાલે એ જાતું મોસાળે કેમ કરી એને ખાળું? બાલક૦
ખાવાનું માગે, સાલું વ્હાલેરું લાગે, રંગે સોહે રસીલું! બાલક૦
બે દંતુ દીસે, ખાવાને હીસે, ચેનાં કરે ચટકાળું. બાલક૦
એ તો રુડું રતન, એનાં કરજો જતન, એથી ઘરમાં હોય અજવાળું. બાલક૦
પાછાં વળજો વ્હેલાં, આવી મળજો પહેલાં, હું તો તેડું કરીશ વહેલું વહેલું. બાલક૦
વહેલાં વળજો બેટી! કોણ દે પાનપેટી? મારી આજ્ઞા કેરી પાળું. બાલક૦
બાલક બહુ રૂપાળું! હું તો નેનો ભરી ભરી ન્યાળું. બાલક૦



સ્રોત
- પુસ્તક : અનુભવ તરંગ (પૃષ્ઠ ક્રમાંક 112)
- સર્જક : તાપીગૌરી માણેકલાલ મુનશી
- પ્રકાશક : કનૈયાલાલ માણેકલાલ મુનશી
- વર્ષ : 1926