chandaliyo - Children Poem | RekhtaGujarati

(‘સાત પગલી’નો ઢાળ)

ઘેરા ઘુમ્મટ જેવા ઊંચેરા આભમાંથી

ચમક ચાંદલિયો ચમકી રહ્યો,

ઝબૂક ઝબૂકતા તારલાના માળમાંથી

તેજભરી આંખે જોઈ રહ્યો,

ટમટમ ટમકતી અંધારી રાતમાં

ચાંદલિયો કાંઈ ખોળી રહ્યો,

કુંજ કુંજ વેલ વેલ વન વનની વાટડીમાં

શીતળ સેજ બિછાવી રહ્યો,

સરવર-સાગરનાં ઊંડેરાં નીર પર

મુખડું નચાવી મલકી રહ્યો,

કાળીભૂરી વાદળીની નીચે લપાતો

સંતાકૂકડીનો ખેલ ખેલી રહ્યો,

નાનાં બાળોને ચાંદનીમાં ખેલવા

તેજની બિછાત બિછાવી રહ્યો,

ખેલી રહ્યો ને કંઈ દોડી રહ્યો

ચાંદો બાળકને હૈયે વસ્યો,

બાળકનાં હોંશ-કોડ પૂરા પાડતો

એથી તો બાળકોએ મામો કહ્યો.

સ્રોત

  • પુસ્તક : ગીતરાણી (પૃષ્ઠ ક્રમાંક 22)
  • સંપાદક : ભાનુભાઈ પંડ્યા
  • પ્રકાશક : ઘરશાળા પ્રકાશનમંદિર
  • વર્ષ : 1945