chaDiyo - Children Poem | RekhtaGujarati

ખેતરની વચમાં ઊભો હું ચાડિયો,

રખોપાં રાત-દી કરતો જી રે!

કડકડતી ટાઢ હો, બળતા બપોર હો,

મે’ની ઝડીમાં ય ઠરતો જી રે! —ખેતરની...

આવે પરોઢિયું ને વાઘા આ મારા

મોંઘાં મોતીડે સજાવે જી રે!

વીંઝાતો વાયરો આવે અદેખો,

મોંઘાં એ મોતી ટાળે જી રે! —ખેતરની...

આવે ચોમાસું ને સૂતાં ખેતરને

પાણી છાંટી એ જગાડે જી રે!

ધાને લચંત મોલ લીલાં લહેરિયાં,

બંદા સૌ ચોરને ભગાડે જી રે! —ખેતરની...

ખેતરની વચમાં ઊભો હું ચાડિયો,

રખોપાં રાત-દી કરતો જી રે!

સાંઠીકડાંની કાય વાઘે સજીને,

ખેતરની ‘આલબેલ’ ભરતો જી રે! —ખેતરની...

સ્રોત

  • પુસ્તક : ગીતરાણી (પૃષ્ઠ ક્રમાંક 48)
  • સંપાદક : ભાનુભાઈ પંડ્યા
  • પ્રકાશક : ઘરશાળા પ્રકાશનમંદિર
  • વર્ષ : 1945