ચાંદામામાને-
chaandaamaamaane-
અમૃતલાલ છ. પારેખ
Amrutlal C. Parekh

ચાંદામામા ચતુર તમને વાત પૂછું કંઈ છાની;
ઉત્તર નહીં આપો તો તમને આણ દઉં છું 'બા'ની!
કોણ તમારા ઘરમાં બેસી
ચરખો રૂમઝૂમ કાંતે?
ચંચળ સસલું કેમ તમારી
ગોદે રહે નિરાંતે?
જગત બધું અજવાળે ને કાં તમ ઘરમાં અંધારું?
મામી અમારાં છે કજિયાળાં? કે મખ્ખીચૂસ વારુ?
રોજરોજના રૂપ-રંગ ને
ઘાટ-ઠાઠ સૌ જૂજવા;
બહુરૂપીનો વેશ બરાબર
શીખ્યા ક્યાંથી ભજવા?
પાંખોવાળી પરીઓ તમને રોજ હશે ત્યાં મળતી;
મામા! સાચ્ચું ક્હેજો, વાતો કદી અમારી કરતી?
નીંદરમાં જે સુંદર સમણાં
ચમકે ઝીણાં-ઝીણાં,
કહો, બધાં એ ક્યાંથી આવે?
દિવસ બધો ક્યાં રહેતાં?
પૂછ્યા તમને સવાલ વહાલે, ઉત્તર આપો મીઠ્ઠા,
આપો તો તો દોસ્ત બનીશું, નહીં તો કરશું કિટ્ટા!



સ્રોત
- પુસ્તક : ઝગમગિયાં (પૃષ્ઠ ક્રમાંક 18)
- સંપાદક : અમૃતલાલ છ. પારેખ
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 1983