bahennun het - Children Poem | RekhtaGujarati

રાખડી મોકલું છું વીરા પ્રેમથી રે લોલ!

બાંધજે બંધવ હૈયે લાવી હેત જો,

રૂબરૂ આવી છું એવું જાણજે રે લોલ!

ઘરમાં છું આંહી આજે એકલી રે લોલ!

આવ્યો માથે ઘરનો સઘળો બોજ જો,

આશરો નથી રે! બીજા કોઈનો રે લોલ!

પારણે ભાણેજ હજુ પોઢતો રે લોલ!

આવવાના મન ઝાઝા હતા કોડ જો,

પણ નીકળવું મારે ઘણું દોહ્યલું રે લોલ!

ખોટું ના ધરજે મારા બંધવા રે લોલ!

દરિયા જેવું રાખજે સદાય દિલ જો,

માડીને કહેજે બાંધે રાખડી રે લોલ!

કંકુનું તિલક ભાલે તાણજે રે લોલ!

લગાવીને ચોખા ઉપર પાંચ જો,

સાકર ખવરાવજે માડી ભાવથી રે લોલ!

સૂરજ બંધવનો સદા તપજો રે લોલ!

જુગ જુગ જીવે રે મારો વીર જો,

અમર હું આશિષ આપું એટલી રે લોલ!

દુઃખને ના લાવતો દાન આપતાં રે લોલ!

દેનારો છે બેઠો ભગવાન જો,

વીરલા તારી વેલ અમર રાખશે રે લોલ!

સ્રોત

  • પુસ્તક : આભનાં મોતી (પૃષ્ઠ ક્રમાંક 15)
  • સર્જક : મંગળ રાવળ 'સ્નેહાતુર'