bhai to bokhla re! - Children Poem | RekhtaGujarati

ભાઈ તો બોખલા રે!

bhai to bokhla re!

ઝવેરચંદ મેઘાણી ઝવેરચંદ મેઘાણી
ભાઈ તો બોખલા રે!
ઝવેરચંદ મેઘાણી

[‘લીલી લીંબડી રે લીલો નાગરવેલનો છોડ, આજ મારે આંગણે રે, પ્રભુજી, દાતણ કરતા જાવ’ -એ ઢાળ]

ભાઈ તો બોખલા રે

બેનને દૂધલા બતરીશ દાંત!

બચુભાઈ બોખલા રે!

બેનને દાડમકળી-શા દાંત!

મુજને એકલી રે

મૂકી ખાતા'તા બહું મામ;

મુંબઇ શૅ'રના રે

મેવા લેજો રે હવે ડામ! -ભાઈ તો.

બેનને ખીજવી રે,

ભાઈ મારા હસતા ખડખડ હાસ;

એટલે લાગિયા રે

બેનના અંતરનાં નિઃશ્વાસ.-ભાઈ તો.

બેન બહુ બોલકી રે,

ટીણકી ત્રણ વરસની બાળ;

ભાઈ ભડવીરની રે,

જોજે કરતી ઝાઝી આળ. -ભાઈ તો.

મામ! મામ! માગતી રે

માને બટકાં ભરતી રોજ

થા મુજ જેવડી રે

પડશે બોખલા મોંની મોજ. -ભાઈ તો.

દૂધિયા દાંતના રે

આવડાં કરતી શાં અભિમાન!

ચીપિયે ચૂંટશે રે

એકએક લઈલઈને ભગવાન! -ભાઈ તો.

ના રે મારાં બાળુડાં રે

પ્રભુજી નિર્દય એવા નો’ય

આખા વિશ્વનાં રે

એને બાળ બહુ વા'લાં હોય.

નાનાં તમે હતાં રે

ઘૂંટડે પીતાં બાનાં દૂધ

નો'તાં બોલતાં રે

નો'તી દાંતોનીય જરૂર.

મોટાં પછી થયાં રે

દેવા લાગ્યાં દોટમદોટ

ધાવણ ખૂટિયાં રે

માંડી ‘મામ'ની ઝૂંટાઝૂંટ.

પેટડામાં દુઃખશે રે!

સમજી પ્રભુએ દીધા દાંત;

માન્યું કે ચાવશે રે

બાળ મારાં શીખશે કરતાં વાત.

એવાં વીતિયાં રે

મીઠાં મધુરાં વરસો સાત

કેમ પછી પાલવે રે.

પોચા બાળપણના દાંત?

બચુભાઈ ભાયડા રે

ભણવું પડશે ગામ પરગામ

જાડા પાતળાં રે

ખાવાં પરઘર કેરાં ધાન.

ઝટપટ ખાઈ કરી રે

ભણવાં ભણતર દિ’ ને રાત

કોઈ દિન જેલની રે

ચડી ભાખર ચવડા ભાત!

બા તો આજ છે રે

કાલે કોણ જાણે શું થાય!

એવું ઉરે ધરી રે

પ્રભુજી ચિંતામાં પડી જાય.

લાખો બાળુડાં રે

પ્રભુજીની નજરે તરવર થાય;

શીતળ સેજમાં રે

પ્રભુજીની નીંદરડી ઊડી જાય.

ભાઈ-બહેન પોઢિયાં રે,

છુમ! છુમ! કરતાં કરતાં વાત;

પ્રભુજી આવિયા રે,

લપતા છપતા અધમધ રાત.

ભાઈને મોઢડે રે

મૂકી વીજળી ઝાકમઝોળ

ઊંચી જરી કરે રે

દૂધલા દાંતો કેરી હાર.

ઊંડા વાવિયા રે

નવલા બરછી સરખા દાંત;

ઢીલા ઢાંકિયા રે

ઉપર જૂના ડગમગ દાંત.

ભાઈ તો ભોળુડો રે

જમતાં-જમતાં ઝબકી જાય

દાંત પડી ગયો રે

તોયે દુઃખ જરીકે જણાય.

બોખલા રામને રે

બેન ખૂબ ખીજવતી હરખાય

ત્યાં તો એક દિને રે

હીરલો દાંત નવો ડોકાય!

નવલા દાંતની રે

ભાઈ તારે મુખડે મોહન ભાત્ય

બેન ભોઠી પડી રે

રીઝવે ખોળે લઈને માત.

ઊજળા દાંતથી રે

બેન-ભાઈ બોલી ઊજળા બોલ!

હળીમળી હેતથી રે

ગજવો ગજવો ગૃહકિલ્લોલ!

ભાઈ તો બોખલા રે!

બેનને દાડમકળી-શા, દાંત.

(1932)

સ્રોત

  • પુસ્તક : સોના નાવડી (પૃષ્ઠ ક્રમાંક 277)
  • સંપાદક : જયંત મેઘાણી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1997