Phoolni Sathe Ramat - Children Poem | RekhtaGujarati

(ગરબી)

આવો ફૂલડાં મધૂરાં રે આપણ રંગે રમિયે,

દિન એક આનન્દે રે ભેળાં રહી નિર્ગમિયે.

મ્હને મુખડું ત્હમારું રે સલૂણું લાગે વ્હાલું,

હેમાં નિર્મળ પ્રીતિ રે વશી હસતી કાલું.

તમમાંનું હું પણ રે કુસુમ એક કોમળિયું,

રહી મનુજસમૂહે રે વદન કરમાઈ ગયું.

ન્હાશી ત્ય્હાં થકી આજે રે આવ્યો તમ પાસ હું તો,

ત્હમે કોમળ હઈડે રે; મ્હને નવ ગણશો જુદો.

નહિ તમમાં કુટિલતા રે, નહિ વળી ક્રૂરપણું,

નહિ વચન કપટનાં રે, હૃદય પ્રેમાળ ઘણું;

કદી હાસ કરંતાં રે તો નિશ્ચે આનન્દભર્યાં,

કરમાઈ કદી સૂતાં રે તો સત્યે દુઃખે ગળ્યાં;

જે'વું અંતર થાએ રે ત્હેવું તમ મુખડું દીસે,

જે'વું મુખ દેખાએ રે ત્હેવું તમ હૃદય વિશે.

ત્ય્હારે આવો મધૂરાં રે આપણ રંગે રમિયે,

દિન એક તો સુખમાં રે સાથે વશી નિર્ગમિયે.

સ્રોત

  • પુસ્તક : કુસુમમાળા (પૃષ્ઠ ક્રમાંક 33)
  • સર્જક : નરસિંહરાવ ભોળાનાથ
  • પ્રકાશક : સી. એન. બ્રધર્સ, સુરત
  • વર્ષ : 1914
  • આવૃત્તિ : પાંચમી આવૃત્તિ