baheni ane bandhwa - Children Poem | RekhtaGujarati

બહેની અને બંધવા

baheni ane bandhwa

બાલમુકુન્દ દવે બાલમુકુન્દ દવે
બહેની અને બંધવા
બાલમુકુન્દ દવે

તમે રે સુંદરવનના સૂડલા

અમે તો તમ કંઠનો કિલકાર :

અમે રે બહેની ને તમે બંધવા,

મનના મળ્યા તારેતાર!

એક રે ક્યારીમાં દોનોં મ્હોરિયાં.

તમે રે ઘૂઘરિયાળી ઝાંઝરી,

અમે તો એક ઝીણેરો ઝણકાર :

અમે રે બાંધવ તમે બહેનડી.

મનના મળ્યા તારેતાર!

એક રે ક્યારીમાં દોનોં મ્હોરિયાં.

તમે રે છત્તર એમ છાંયડી, ,

અમે ધરીએ તમારો આકાર :

અમે રે બહેની ને તમે બંધવા,

મનના માળ્યા તારેતાર!

એક રે ક્યારીમાં દોનોં મ્હોરિયાં.

તમે રે મીઠેરા જળની વાવડી,

અમે તો એક પથ્થરનો પગથાર :

અમે રે બાંધવ તમે બહેનડી,

મનના મળ્યા તારેતાર!

એક રે ક્યારીમાં દોનોં મ્હોરિયાં.

તમે રે મહિયરગઢના મોરલા,

અમે તો ગઢની કિનાર :

અમે રે બહેની ને તમે બંધવા,

મનના મળ્યા તારેતાર

એક રે ક્યારીમાં દોનોં મ્હોરિયાં.

સ્રોત

  • પુસ્તક : મઘમઘાટ (પૃષ્ઠ ક્રમાંક 15)
  • સંપાદક : કનૈયાલાલ જોશી, કાન્તિ કડિયા
  • પ્રકાશક : હાર્દિક પ્રકાશન
  • વર્ષ : 1982