બારમાસી
baarmasi
ભાસ્કર ભટ્ટ
Bhaskar Bhatt

મારાં આંગણિયાં અજવાળે,
કે ફૂલડાં બારમાસી,
બીજાં ફૂલોની આંખ થાય ત્રાંસી... કે ફૂલડાં બારમાસી...
ઊગતા ગુલાબ અહીં, સૂરજની આંખ થઈ,
લહેરાતા મોગરા, ચાંદાની પાંખ થઈ,
બારમાસી તો તારલાની માસી... કે ફૂલડાં બારમાસી...
ના કોઈ ચૂંટશે રે ના કોઈ સૂંઘશે,
જાગશે તે દિવસે, ને રાતે ને ઊંઘશે,
નહીં કરમાશે, નહીં થાય વાસી... કે ફૂલડાં બારમાસી...
દિવસનો રાજા ને રાણી છે રાતની,
બાગોમાં ફૂલોની જાતો સો ભાતની,
રોજ ચમકે છે ફૂલની આ દાસી... કે ફૂલડાં બારમાસી...



સ્રોત
- પુસ્તક : તાલોચ્છવ (પૃષ્ઠ ક્રમાંક 22)
- સર્જક : ભાસ્કર ભટ્ટ
- પ્રકાશક : ઉદય બી. ભટ્ટ
- વર્ષ : 2009