em mane thay - Children Poem | RekhtaGujarati

એમ મને થાય

em mane thay

સુન્દરમ્ સુન્દરમ્
એમ મને થાય
સુન્દરમ્

આજ મને બા, આજ એમ મને થાય,

મીંદડીનું નાનું હું બચ્ચું બની જાઉં,

છાનુંમાનું આવી તારું દૂધ પી જાઉં!

આજ મને બા, આજ એમ મને થાય,

રાતુડું નાનકડું કુરકુરિયું થાઉં,

હાઉ હાઉ કરી કરડવા ધાઉં!

આજ મને બા, આજ એમ મને થાય,

ખિલ ખિલ મોગરાનું ફૂલ બની જાઉં,

તારે અંબોડલે આવી સંતાઉં!

આજ મને બા, આજ એમ મને થાય,

ગોળ ગોળ સાબુડો તારો થઈ જાઉં,

સરી સરી હાથમાંથી ખીજવું પજવું!

આજ મને બા, આજ એમ મને થાય,

તારો ઝગમગતો અરીસો થાઉં,

એરિયાં પાડું ને તારી આંખ ઝંખવાઉં!

સ્રોત

  • પુસ્તક : બાળગીતો- 2 (પૃષ્ઠ ક્રમાંક 14)
  • સંપાદક : સોમાભાઈ ભાવસાર
  • પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
  • વર્ષ : 1978
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ