chaDiyo - Children Poem | RekhtaGujarati

ખેતરની વચમાં ઊભો હું ચાડિયો,

રખોપાં રાત-દી કરતો જી રે!

કડકડતી ટાઢ હો, બળતા બપોર હો,

મે’ની ઝડીમાં ઠરતો જી રે! —ખેતરની...

આવે પરોઢિયું ને વાઘા મારા

મોંઘાં મોતીડે સજાવે જી રે!

વીંઝાતો વાયરો આવે અદેખો,

મોંઘાં મોતી ટાળે જી રે! —ખેતરની...

આવે ચોમાસું ને સૂતાં ખેતરને

પાણી છાંટી જગાડે જી રે!

ધાને લચંત મોલ લીલાં લહેરિયાં,

બંદા સૌ ચોરને ભગાડે જી રે! —ખેતરની...

ખેતરની વચમાં ઊભો હું ચાડિયો,

રખોપાં રાત-દી કરતો જી રે!

સાંઠીકડાંની કાય વાઘે સજીને,

ખેતરની ‘આલબેલ’ ભરતો જી રે! —ખેતરની...

સ્રોત

  • પુસ્તક : ગીતરાણી (પૃષ્ઠ ક્રમાંક 48)
  • સંપાદક : ભાનુભાઈ પંડ્યા
  • પ્રકાશક : ઘરશાળા પ્રકાશનમંદિર
  • વર્ષ : 1945