તું નાનો, હું મોટો
tun nano, hun moto
પ્રેમશંકર નરભેરામ ભટ્ટ
Premshankar Narbheram Bhatt

તું નાનો, હું મોટો,
એવો ખ્યાલ જગતનો ખોટો,
આ નાનો, આ મોટો,
એવો મૂરખ કરતા ગોટો.
ખારા જળનો દરિયો ભરિયો,
મીઠા જળનો લોટો,
તરસ્યાને તો દરિયાથીયે
લોટો લાગે મોટો.
નાના છોડે મહેકી ઊઠે
કેવો ગુલાબગોટો!
ઊંચા ઊંચા ઝાડે તમને
જડશે એનો જોટો?
મન નાનું તે નાનો,
જેનું મન મોટું તે મોટો.



સ્રોત
- પુસ્તક : નરસિંહથી નટવર ભાગ-૧ (પૃષ્ઠ ક્રમાંક 112)
- સંપાદક : નટવર પટેલ
- પ્રકાશક : પ્રણવ પ્રકાશન
- વર્ષ : 2017