તારાને આવાહન
tarane aahvahan
ચંદુલાલ મણિલાલ દેસાઈ
Chandulal Manilal Desai
તારા! ધીમા ધીમા આવો,
તારા! રમવાને સૌ આવો,
તારા! રૂપાગેડી લાવો,
તારા! ધીમા ધીમા આવો.
તારા! સંભાળીને આવો,
તારા! એક પછી એક આવો,
તારા! ચોરક ચાલે આવો,
તારા! ધીમા ધીમા આવો.
તારા મોહક વદને આવો,
તારા આંખલડી પલકાવો,
તારા રસિયાંજન મલકાવો,
તારા ધીમા ધીમા આવો.
ગાતા મીઠાં ગીતો આવો,
વૃક્ષો તાળી દેશે આવો,
વાયૂ ઝીલી લેશે લ્હાવો,
તારા ધીમા ધીમા આવો.
તારા થાકો ત્યારે જાઓ,
સાટે ચાંદાને તેડાવો,
તોયે હમણાં તો તમ આવો,
તારા! ધીમા ધીમા આવો.
તારા, આવો, આવો, આવો,
તારા લોકડિયાં સમઝાવો,
“નથી રડવામાં કૈં લ્હાવો”,
તારા! ધીમા ધીમા આવો.
સ્રોત
- પુસ્તક : ટહુકાર (પૃષ્ઠ ક્રમાંક 68)
- સર્જક : ચન્દુલાલ મણીલાલ દેસાઈ ‘વસન્તવિનોદી’
- પ્રકાશક : પોતે
- વર્ષ : 1919