ashaDhno megh - Children Poem | RekhtaGujarati

અષાઢનો મેઘ

ashaDhno megh

નાથાલાલ દવે નાથાલાલ દવે
અષાઢનો મેઘ
નાથાલાલ દવે

તું તો આખું આકાશ ભરી આવ્યો,

હો મેહુલા અષાઢના રે.

તું તો પાણીના લોઢ લોઢ લાવ્યો,

હો મેહુલા અષાઢના રે.

તું તો ગાજ્યો ગંભીર કંઠનાદે,

હો મેહુલા અષાઢના રે.

ડોલ્યા ડુંગરના મોર તારા સાદે,

હો મેહુલા અષાઢના રે.

તેં શી ધરતીને વાત કરી છાની?

હો મેહુલા અષાઢના રે.

એણે રંગોની આદરી ઉજાણી,

હો મેહુલા અષાઢના રે.

તેં તો લાખ લાખ ફૂલને જગાડ્યાં,

હો મેહુલા અષાઢના રે.

નવા અંકુરો અનાજના ઉગાડ્યા,

હો મેહુલા અષાઢના રે.

નદી ચાલી છલકાઈ તારાં નીરે,

હો મેહુલા અષાઢના રે.

હું તો વાંસળી વગાડું એને તીરે,

હો મેહુલા અષાઢના રે.

સ્રોત

  • પુસ્તક : ગીતરાણી (પૃષ્ઠ ક્રમાંક 16)
  • સંપાદક : ભાનુભાઈ પંડ્યા
  • પ્રકાશક : ઘરશાળા પ્રકાશનમંદિર
  • વર્ષ : 1945