ashaDhi mehulo - Children Poem | RekhtaGujarati

આષાઢી મેહુલો

ashaDhi mehulo

નાથાલાલ દવે નાથાલાલ દવે
આષાઢી મેહુલો
નાથાલાલ દવે

તું તો આખું આકાશ ભરી આવ્યો,

હો મેહુલા આષાઢના રે!

તું તો પાણીના લોઢ લોઢ લાવ્યો, હો મેહુલા....

તું તો ગાજ્યો ગંભીર કંઠનાદે, હો મેહુલા....

ડોલ્યા ડુગરના મોર તારા સાદે, હો મેહુલા....

તેં તો ધરતીને વાત કરી છાની, હો મેહુલા....

એણે રંગોની આદરી ઉજાણી, હો મેહુલા....

તેં તો લાખલાખ ફૂલને જગાડ્યાં, હો મેહુલા....

નવા અંકુરો અનાજનાં ઉગાડ્યાં, હો મેહુલા....

નદી ચાલી છલકાઈ તારાં નીરે, હો મેહુલા....

હું તો વાંસળી વગાડું એને તીરે. હો મેહુલા....

સ્રોત

  • પુસ્તક : મઘમઘાટ (પૃષ્ઠ ક્રમાંક 35)
  • સંપાદક : કનૈયાલાલ જોશી, કાન્તિ કડિયા
  • પ્રકાશક : હાર્દિક પ્રકાશન
  • વર્ષ : 1982