આભનો ચંદરવો
aabhno chandarvo
જયમનગૌરી પાઠકજી
Jaymangauri Pathakji

કેમ કરી આભનો બાંધ્યો,
ચંદરવો કેમ કરી આભનો બાંધ્યો!
ધરતીએ છેડલો ન લાધ્યો,
ચંદરવો કેમ કરી આભનો બાંધ્યો!
ખોળ્યા મેં સ્તંભ એના,
ખોળ્યા મેં છેડલા.
જાણું ન કેમ કરી ટાંગ્યો!
ચંદરવો કેમ કરી આભનો બાંધ્યો!
પુષ્પના પરાગ સમો,
નયનોના રાગ સમો;
ધરતીને કેમ હશે લાગ્યો!
ચંદરવો કેમ કરી આભનો બાંધ્યો!
જાણું ન જાદુ કર્યાં,
ધરતીએ નેહનાં;
નેણલાંના તારે શું બાંધ્યો!
ચંદરવો કેમ કરી આભનો બાંધ્યો!
કેમ કરી આભનો બાંધ્યો
ચંદરવો કેમ કરી આભનો બાંધ્યો!



સ્રોત
- પુસ્તક : કવિતા : ડિસેમ્બર, ૧૯૭૯ (પૃષ્ઠ ક્રમાંક 26)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ