aabhno chandarvo - Children Poem | RekhtaGujarati

આભનો ચંદરવો

aabhno chandarvo

જયમનગૌરી પાઠકજી જયમનગૌરી પાઠકજી
આભનો ચંદરવો
જયમનગૌરી પાઠકજી

કેમ કરી આભનો બાંધ્યો,

ચંદરવો કેમ કરી આભનો બાંધ્યો!

ધરતીએ છેડલો ન લાધ્યો,

ચંદરવો કેમ કરી આભનો બાંધ્યો!

ખોળ્યા મેં સ્તંભ એના,

ખોળ્યા મેં છેડલા.

જાણું ન કેમ કરી ટાંગ્યો!

ચંદરવો કેમ કરી આભનો બાંધ્યો!

પુષ્પના પરાગ સમો,

નયનોના રાગ સમો;

ધરતીને કેમ હશે લાગ્યો!

ચંદરવો કેમ કરી આભનો બાંધ્યો!

જાણું ન જાદુ કર્યાં,

ધરતીએ નેહનાં;

નેણલાંના તારે શું બાંધ્યો!

ચંદરવો કેમ કરી આભનો બાંધ્યો!

કેમ કરી આભનો બાંધ્યો

ચંદરવો કેમ કરી આભનો બાંધ્યો!

સ્રોત

  • પુસ્તક : કવિતા : ડિસેમ્બર, ૧૯૭૯ (પૃષ્ઠ ક્રમાંક 26)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ