sajjan vishe - Chhappa | RekhtaGujarati

સજ્જન વિષે

sajjan vishe

દલપતરામ દલપતરામ
સજ્જન વિષે
દલપતરામ

(છપ્પા)

તરુવરનો નહિ તાગ, ભાગ્યથી સુરતરુ ભેટે;

હીરા મળે હજાર, કોહિનુર છેકજ છેટે;

બગલા બાણું ક્રોડ, હંસ તો મળે હળવો,

સમળા મળે અસંખ્ય, ગરુડ મહિમા ક્યાં મળવો;

જન તો બહુ જડશે જગતમાં, તન તાપ તેથી ટળે,

દિલ સત્યપણે દલપત કહે, મહાભાગ્ય સજ્જન મળે.

(દોહરા)

સજ્જન સૌના સ્નેહી પણ, દુષ્ટ તણે મન કાળ;

જગત ચક્ષુ છે સૂર્ય પણ, ઘૂડ ગણે વિકરાળ.

સજ્જનને હરકત કરે, તે જન પામે ક્લેશ;

સ્પર્શ કરે તે પરજળે, અગ્નિને નહિ દ્વેષ.

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 194)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2002