Nahi parnari neh - Chhappa | RekhtaGujarati

નહિ પરનારી નેહ

Nahi parnari neh

પ્રભાશંકર પ્રભાશંકર
નહિ પરનારી નેહ
પ્રભાશંકર

નહિ પરનારી નેહ, દેહ તેની નહિ દુખે,

નહિ પરનારી નેહ, સદા તે રહે છે સુખે,

નહિ પરનારી નેહ, પ્રભુ છે તેની પાસે,

નહિ પરનારી નેહ, ભાવ તેનો સત ભાસે,

નહિ પરનારીના નેહથી, કલંક કંઈ લાગે નહીં;

કહે ‘પ્રભાશંકર’ પ્રેમ-શું, તે સ્વર્ગમાં જાએ સહી.

નાવે નિદ્રા નામ, કામ એકે નવ સૂઝે,

નાવે નિદ્રા નામ, ભજન ભાવે નહિ બૂઝે,

નાવે નિદ્રા નામ, ચિત્તમાં ચિંતા ચાલે,

નાવે નિદ્રા નામ, મગન મનમાં નહિ માલે,

વળી નાવે નિદ્રા નામને, અસુખમાં આઠે ઘડી;

કહે ‘પ્રભાશંકર’ પ્રેમ-શું, પરનારી નેહે નડી.

નેહ ઘટાડો નિત્ય, પ્રીત પરનારી કેરી,

નેહ ઘટાડો નિત્ય, રૂદિયામાંહી ઘેરી,

નેહ ઘટાડો નિત્ય,સુજન મનમાં જશ જાણી,

નેહ ઘટાડો નિત્ય, તજો વ્યભિચારની વાણી,

નેહ ઘટાડો નિત્યથી, દિન દિન દુઃખ જાશે સહી;

કહે ‘પ્રભાશંકર’ પ્રેમ-શું, સુખ સંપત થાશે તહીં.

પાળી છે ૫રનાર, કાળજું કુમળું કાપે,

પાળી છે ૫રનાર, રેગે રૂદયામાં વ્યાપે,

પાળી છે ૫રનાર, કાતરે અંતર ઊંડે,

પાળી છે ૫રનાર, પીઠ પીડામાં બૂડે,

પાળી છે પરનાર તે, ઝેર વેરનું ઝાંખરું;

કહે ‘પ્રભાશંકર’ પ્રેમ-શું, અવગુણમાં છે આકરું.

પરનારીનું મુખ, દુઃખદાયક છે વાણી,

પરનારીનું મુખ, સુખને લે છે તાણી,

પરનારીનું મુખ, સ્વિપ્રમાં સળકે ધાતુ,

પરનારીનું મુખ, ચળકતું જાણો કાતું,

૫ણ પરનારીના મુખને, જોતાં જેખમ થાય છે,

કહે ‘પ્રભાશંકર’ પ્રેમ-શું, નારી નરને ખાય છે.

૫રનારીનો સંગ, રંગમાં ભંગ પડાવે,

૫રનારીનો સંગ, અંગને આળ ચડાવે,

પરનારીનો સંગ, ઢંગ ઢાંક્યો નવ રાખે,

૫રનારીનો સંગ, ભંગ મુખમાંથી ભાખે,

વળી પરનારીના સંગનો રંગ રાવણને જાગિયો;

કહે ‘પ્રભાશંકર’ પ્રેમ-શું, લંકાગઢ તો લાગિયો.

સદેવંતને દુઃખ, સુખ સ્વપ્નામાં ના'વ્યું,

નંદરાયનું શીશ, રીસ પરધાન કટાવ્યું,

ઈદ્ર ચંદ્રની સાથ, ગેયો ગૌતમને દ્વારે,

કટ્યો પા૫નો કુંભ, શાપને પામ્યો ત્યારે,

વળી વિક્રમ કેરા તાતની, વાત વિશ્વમાં વિખરી;

તે ગર્ધવયોનિ પામિયા, ભેગવવી તેણે પડી.

અફીણ ને પરનાર, ગળેથી ગાંઠ છૂટે,

અફીણ ને પરનાર, બંધ વજર નવ તૂટે,

અકીણ ને પરનાર, લે'ર લાલચની લાગી,

અફીણ ને પરનાર, સગાની શર્મ ભાગી,

જો અફીણ ને પરનારથી, કામ કાંઈ સૂઝે નહીં;

કહે ‘પ્રભાશંકર’ પ્રેમ-શું, ચતુર નર ચેતે સહી.

પરપુરુષનું નેણ, વેણ લાગે છે વ્રહનું,

પરપુરુષનું નેણ, બાણ લાગે નવ ગ્રહનું,

પરપુરુષનું નેણ, હોય અણિયારી આંખે,

પરપુરુષનું નેણ, નારીઓ જોતું ઝાંખે,

વળી પરપુરુષનું નેણ તે, વેગે વિનતા પરું;

કવિ ‘પ્રભાશંકર’ કહે, કામણ તેમાં છે ખરું.

પરપુરુષની પ્રીત, રીત તેણી નહિ રૂડી,

પરપુરુષની પ્રીત, નિત્ય નેહે તે કૂડી,

પરપુરુષની પ્રીત, ચિત્ત ત્યાં ચોંટ્યું રે' છે,

પરપુરુષની પ્રીત, કથન કડવું સહુ કે’ છે,

વળી પરપુરુષની પ્રીતથી, લેકલાજ વાધે નહીં;

કહે ‘પ્રભાશંકર’ પ્રેમ-શું, ચતુરા સહુ ચેતો સહી.

પરપુરુષની પ્રીત, દુઃખ દરિયાનું માથે,

પરપુરુષની પ્રીત, વેર વનિતાઓ સાથે,

પરપુરુષની પ્રીત, પતિને પૂરણ પીડા,

પરપુરુષની પ્રીત, બંધ જંજીરના ભીડ્યા,

થઈ પરપુરુષની પ્રીત તો, મૂકે નહીં મરતાં લગી;

કહે ‘પ્રભાશંકર’ પ્રેમ-શું, ડગે નહીં કોઈથી ડગી.

પુરુષને તજી પ્રેમ, ઝેર દે છે જુવંતી,

પુરુષને તજી પ્રેમ, ગાળ દે અવગુણવંતી,

પુરુષને તજી પ્રેમ, જારને ઝાઝું માને,

પુરુષને તજી પ્રેમ, ભોગવે ભોળે ભાને,

૫ણ પુરુષની તજી પ્રીત તો, અન્ય નાથ અબળા કરે;

કવિ ‘પ્રભાશંકર’ કે’ છે ખરું, તે નારી તે નવ ઠરે.

વ્યસન અને વ્યભિચાર, હીરની ગાંઠે પડિયો,

વ્યસન અને વ્યભિચાર, નારીને નર તો નડિયો,

વ્યસન અને વ્યભિચાર, છા૫ ૫ટકુળે છાપી,

વ્યસન અને વ્યભિચાર, કાળજું નાખે કાપી,

વળી વ્યસન અને વ્યભિચારમાં, વળગ્યું મન તે ત્યાં રહે;

કહે ‘પ્રભાશંકર’ પ્રેમ-શું, જ્ઞાન કોઈ ગરવું ગ્રહે.

વનિતાઓનો વાંક, પુરુષ-શું પ્રેમ જણાવે,

વનિતાઓનો વાંક, વાત વ્યભિચાર ભણાવે,

વનિતાઓનો વાંક, ભોળવે ભીતર ભાવે,

વનિતાઓનો વાંક, દરદમાં લાવે દાવે,

વળી વનિતાઓના પ્રેમમાં, પુરુષ પતંગી થઈ પડે;

કહે ‘પ્રભાશંકર’ પ્રેમ-શું, પ્રીતે નરનારીને નડે.

સ્રોત

  • પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 427)
  • પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
  • વર્ષ : 1963