naam vishe - Chhappa | RekhtaGujarati

નામ વિષે

naam vishe

શામળ શામળ
નામ વિષે
શામળ

ધનજી ઉવાણે પાય, ભૂપ ભીખંતો દીઠો;

સૂરજી દેખે આંખ, બોલતો કડવું મીઠો;

વ્યાજ ભરે રણછોડ, કામ કલ્યાણ કરતો;

અવિચળ ચળ્યા અપાર, દીઠો અજરામર મરતો;

હીરો, માણેક, મોતિયો, રતનિયો કથીર દેખે નહિ;

કવિ શામળ કહે, સંસારમાં કારણ નામ રહ્યું કહીં?

દીઠા અમર મરંત, નાના કાંઈ દીઠા ઘરડા;

નાગો પહેરે વસ્ત્ર, વાઘ સિંહ કૂતરે કરડ્યા;

પર્વત ફરે પરદેશ, દીઠો મંગળને દુઃખિયો;

સંતોખી અદકું ખાય, કાસદું કરે છે સુખિયો;

દયાચંદમાં દયા નહિ, ખુશાલ કહીં રોતા ફરે;

શામળ કહે, નામ પનોતિયો, કંઈ લાખ કુંવારા મરે.

કુબેર નામ કહેવાય, ખજાને દીઠા ખાલી;

કરે ધર્મો બહુ પાપ, ન્યાલ આવે ઘર ઘાલી;

વહાલો રાખે વેર, ઝેર જેવો તે મીઠો.

જોગી કરે વેપાર, ભોગી ભીખંતો દીઠો;

ઘેલો જાયે છેતરી, બળિયોજી હારી જશે;

રૂડા કંઈ ભૂંડા કહું : શામળ કહે, નામે શું થશે?

હાથી નામ કહેવાય, બીએ ઉંદરને સાદે;

કપૂર કાળો હોય, શામળો સુંદર વાદે;

રૂપો હોય કરૂપ, ભૂષણમાં દૂષણ ઝાઝાં;

કૃપાલ રાખે કૂડ, ભૂપત વજાડે વાજાં;

આશા ઇચ્છા ઓલગ કરે, કલંક નિર્મળ શિર ચડે;

ફોગટ ફરે કંઈ જોઈતા : શામળ નામને શું રડે?

સ્રોત

  • પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 2 (પૃષ્ઠ ક્રમાંક 42)
  • સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોશી
  • પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
  • વર્ષ : 1941