
૧.
કોઈ કહે આવ્યો તાવ, કોઈ કહે થયું કોગળિયું;
કોઈ કહે કરડ્યો નાગ, કોઈ કહે વાસી વળિયું;
કોઈ કહે વાધ્યો રોગ, કોઈ કહે શસ્ત્ર જ વાગ્યું;
કોઈ કહે મારી મૂઠ, કોઈ કહે પાપ જ લાગ્યું;
ઈશ્વર માથે લેતો નથી, જગતમાંહીં મહિમા જુઓ;
સામળ કહે છે સૌ સાંભળો, માત આવ્યું તેથી મૂઓ.
૨.
પેસે અરણવનીર, તીર ગંગાને બેસે;
ચડે જો પર્વત મેર, કદી પાતાળે પેસે;
પર્વતમાંહી પ્રવેશ, કરે આપે એકાંતે;
ઓષડ અમૃતાહાર, ભમે ભૂલ્યા બહુ ભ્રાંતે;
કિંકર રાખે કોટિધા, સંચ પ્રપંચ ઘણા કરે;
સામળ કહે છે સૌ સાંભળો, મોત આવ્યે નિશ્ચે મરે.
૩.
જે જોયું તે જાય, જે ફૂલ્યું તે ખરશે;
ભર્યું તેહ ઠલવાય, ચડ્યું તે તો ઊતરશે;
લીલું તે સુકાય, નવું તે જૂનું થાશે;
આયુર્દાવશ સર્વ, કાળ સૌકોને ખાશે;
જો કિન્નર જક્ષ ને રાક્ષસો, દેવ ગાંધર્વ ને દાનવી;
મઘવાદિક પણ પોતે મરે, કોણ માત્રમાં માનવી.
૪.
કોઈ આજ કોઈ કાલ, કોઈ માસે કોઈ ખટમાસે;
કોઈ વર્ષ દસબાર, કોઈ પચ્ચીસ પચાસે;
કોઈ સાઠ સિત્તેર, કોઈ પોણોસો એંસી;
જે જાયું તે જાય, નથી રહેવાનું બેસી;
જે નામ તેનો નાશ છે, ધર્મ જ એવો ધારવો;
કવિ સામળ કહે મૂરખ કરે, ગંદી દેહનો ગારવો.
૫.
જટા ધરે વડવૃક્ષ, પતંગ નિજ બાળે કાયા;
જળચર જળમાં ના’ય, ધ્યાન ધરવા બગ ધાયા;
ગાડર મુડાવે શીષ, અજા મુખ દાઢું રાખે;
ગર્ધવ લોટે છાર, શુક મુખ રામ જ ભાખે;
વળી મોર તજે છે માનુની, શ્વાન સકળનું ખાય છે;
કવિ સામળ કહે સાચા વિના, કોણ સ્વર્ગમાં જાય છે.
૬.
ઊંચું ભાળે ઊંટ, વાગોળ નીચું ન્યાળે;
તરુવર સહે છે તાપ, પહાડ આસન દૃઢ વાળે;
ઘર કરી ન રહે નાગ, ઊંદરો રહે છપીને;
નોળીકર્મ ગજરાજ, ભક્ષ ફળપત્ર કપિને;
ઈશ્વર અનુભવ વિણ નવ મળે, સહેજ ભાવના ભંગ છે;
સામળ મનસા સિદ્ધ તેહને, કાથરોટમાં ગંગ છે.



સ્રોત
- પુસ્તક : કાવ્યપરિચય ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 72)
- સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
- પ્રકાશક : નવજીવન સાહિત્ય મંદિર, અમદાવાદ
- વર્ષ : 1939
- આવૃત્તિ : 002 (ત્રીજું પુનર્મુદ્રણ)