hu hasto ramato hari ma bhalyo - Chhappa | RekhtaGujarati

હું હસતો રમતો હરિમાં ભળ્યો

hu hasto ramato hari ma bhalyo

અખો અખો
હું હસતો રમતો હરિમાં ભળ્યો
અખો

મારે એમ પડ્યું પાધરું, હુંપણું મટ્યું એ જ આદર્યું,

કર્મ અહંકાર તણું ગયું મૂળ, જેમ અરકનાં ઊડે તૂલ;

ન લહ્યા સરખું મેં ત્યાં લહ્યું, એમ અખા યથારથે થયું.

વાંકું સમું જાણું ત્યાં હરિ, હું તો મારે બેઠો ઠરી;

ભલા ગૃહસ્થની વાડે ગાય, એમ આપ સોંપ્યું હરિમાંય;

છીંડું ખોળતાં લાધી પોળ, હવે અખા કર ઝાઝમઝોળ.

મારે મોટો હું નર જડ્યો, જે ઈશ્વરરૂપી જહાજે ચડ્યો,

પચ સહિત ઉતારિયો પાર, પગ નહિ બોળું જળ સંસાર :

હું હસતો રમતો હરિમાં ભળ્યો, આખો જાણે તે વળણે વળ્યો.

એ સુખ મારગ મેલીને શઠ, કાયકલેશ કરે કાં હઠ?

ગીતામાં ગોવિંદ મુખ કહે, 'જે મારું શરણ ગ્રહીને રહે;

મુજ વાયક જે માને અખા, તેને સ્કંધ લઈ ઉતારું સખા.'

પ્રત્યક્ષ મૂકી જુએ પરોક્ષ, કર્તવ્યને શિર મૂકે દોષ,

સભર ભરાઈ રહ્યો છે નાથ, હીંડતાં લાગે હરિને હાથ;

અખો કહે ફેરવવું મન, જે જાણે તો જાણો જન.

એમ જાણે તે હરિનો જન, મારે પોતે ક્યાંથું મન;

દેહ હરિ ઇચ્છાયે થયો, અણછતો હું આવી ગયો;

તારું કર્યું ને તું છે નાથ, એમ જાણી અખે ઝાટક્યા હાથ.

સ્રોત

  • પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 3 (પૃષ્ઠ ક્રમાંક 42)
  • સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોશી
  • પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
  • વર્ષ : 1941