Chhappa - Chhappa | RekhtaGujarati

છપ્પા

Chhappa

અખો અખો
છપ્પા
અખો

જ્ઞાની થૈ કે મારે ગાલ, મુક્ત થઇ વઢવાનો ખ્યાલ;

ભક્તિજ્ઞાન ત્યાં ઠામે હશે, એતો બેઉ લડે છે રસે;

અખા એજ નિષ્કારણ વેર, જેમ ચૌટે ભેંશ ને વઢવાડ ઘેર.

જ્ઞાન વિના ભક્તિ તે અશી, ભસ્તે શ્વાને જેમ ઉઠે નશી;

લારે લાર જેમ ચાલે સોર, ત્યાં કોણે દીઠો તો ચોર;

જે જેણે દીઠું સાંભળ્યું, અખા તે તે વળણે વળ્યું.

ખટ દર્શનના જુજવા મતા, માંહોમાહીં ખાધા ખતા;

એકનું થાપ્યું બીજો હણે, અન્યથી આપને અધકો ગણે;

અખા એજ અંધારો કુવો, ઝઘડો ભાંગી કોઇ ન મુવો.

ષટ્દર્શન કરતા વિખવાદ, મધ્યે માયા પોષે સ્વાદ;

દાન દયા શીળ કેતા જાય, મંત્ર જાપ તીરથ મહિમાય;

અખા બાળકની પેરે થયું, બોરાં સાટે ઘરાણું ગયું.

દર્શન ભેદ દાવા મત ઘણા, ગઢ બાંધી રયા આપ આપણા;

એક એકપે હુંકી રયા, અમે પામ્યા બીજા વેતા ગયા;

અખા નાટકની એવી રીત, મન લાગે છે દ્વૈતાદ્વૈત.

એક પરમેશ્વરને સઘળા પંથ, એ તો અળગું ચાલ્યું જુથ;

જેમ અગ્નિ અગ્નિને સ્થાનક રયો, અને ધુંવાડો આકાશે ગયો;

અળગો ચાલ્યો તે ક્યમ મળે, એમ અખા સૌ અવળા વળે.

ઉંધ્યા બરલે પંડિત કવિ, જે મનની વૃત્ય રહ્યા અનુભવી;

એક એકને બોલ્યું નવ મળે, ખટદર્શન જુજવાં આફળે;

સૌને હું મારાનો થાપ, અખા ન સમજે આપે આપ.

સૂતર આવે તેમ તૂં રહે, જ્યમ ત્યમ કરીને હરિને લહે;

વેશ ટેક છે આડી ગલી, પેઠો તે ન સકે નિકળી;

અખા કૃત્યનો ચઢશે કષાય, રખે તૂં કાંઇ કરવા જાય.

રાજવેષ ધરે નોય રાજ, પંથ રહે કાંઇ ન સરે કાજ;

અંત કારણ એનું કાંઇ નથી, નિરદાવે વર્તે તે યતિ;

સેજમાંય મહાપુરૂષજ રહે, બાહૃદૃષ્ટિ અખા વેષને ગ્રહે.

જ્યાં જોઇએ ત્યાં કૂડેકૂડ, સામે સામાં બેઠાં ઘૂડ,

કોઇ આવી વાત સૂરજની કરે, તે આગળ લઇ ચાંચજ ધરે;

અમારે હજાર વર્ષ અંધારે ગયાં, તમે આવા ડાહ્યા ક્યાંથી થયાં;

અખા મોટાની તો એવી જાણ, મૂકી હીરો ઉપાડ્યો પાણ.

જો હરિ માર્ગે ચાલે જંત, વેશ અભિમાન શું કાઢ્યા દંત;

જેમ તેમ પંથ કાપ્યાશું કામ, તો આવે હરિરૂપી ગામ;

અખા મોહ્યો પંથે ભમ્યો, વાદ કરતાં આયુ નિર્ગમ્યો.

વણ સમજે દાવાગિર ઘણા, વેશ વખાણે આપ આપણા;

ટળવું ઘટે ત્યાં સામો થાય, વણ સમજે એમ વાંકો જાય;

પહેર્યો વેશને વાધી ટેક, એમ અખા કેમ થાયે એક.

આતમ સમજ્યો તે નરે જતિ, શું થયું ધોળાં ભગવાં વતી;

બોડે તોડે જોડે વાળ, એતો સર્વ ઉપલ્યો જંજાળ;

પ્રીછીને સંકોડે વ્યાપ, તો અખા રહે આપો આપ.

કોઇ કહે મોટો શિવદેવ, કોઈ કહે વિષ્ણુ મોટો અહમેવ;

કોઇ કહે આદ્ય ભવાની સદા, બુધકલકીના કરે વાયદા;

જૈન કર્મની સદા દે શીખ, યવન માને કલામે શરીફ;

અખા સૌ બાંધે બાકરી, કોઇ ન જુવે પાછો ફરી.

અતિ જૂની મહા મોહની જાળ, કંઠે પડ્યાં થયાં બહુ કાળ;

અળગાં ઉપાસન અળગા દેવ, કરી હિંમત બાંધે અહમેવ;

અખા એહ મોટો ઉત્પાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત.

અજ્ઞાની ને ઉંટ બચકું, ઝાલ્યું મૂકે નહીં મુખથકું;

અખા અણજાણે પેઠું કાન, ચાલ્યો પથ દરશન ને માન;

કેને કર્તા ન જાણ્યો જડે, વઢે ઢીંકે ને કટારી કડે.

હું ટાલી અછતો થઇ રહે, હરિપ્રભામાંહે થઇ વહે;

પોતાપણેથી જે નર ટળે, અણ આયાસે હરિમાં ભળે;

અખા વાત સમજી લે વિધ્યે, જાંહાં છે ત્યાં અકાશજ મધ્યે.

વાજું હું તમો વજાવણહાર, તે વાજું શાને ધરે અહંકાર;

તે જોતાં સર્વ તમારાં કામ, આ અછતાનું અછતું નામ;

ધનધન વાજું ધણીકર થવે, અખા આસુરીકર તવ અવળું લવે.

નથી વાંક વિશ્વંભરતણો, જે કહિયે તે વાંક આપણો;

જેમ કોઇ ભોજન જમાડવા કરે, ત્યાં રીસાણો તે રીસે ફરે;

પૂર્ણાનંદ પીરસનારો રહે, અખા અભાગિયાને કોણ કહે.

કાંઇ ન દીસે જીવને હાથ, થઈ બેસે તે સૌનો નાથ;

ધન તન દોલત ઉડી જાય, રહ્યો રૂવે પણ કાંઈ ન થાય;

મરડે મૂછ પણ માંહે કલૈબ્ય, અખા એહનું લક્ષણ જીવ.

તરણા ઓથે ડુંગર રહે, એવો ઉખાણો સરવે કહે;

તરણું તે જીવનો અહંકાર, તે પાછળે રહ્યાં કરતાર;

અખા અહંકાર વધાર્યો ગમે, તે માટે જીવ ભવમાં ભમે.

જન કોઇ ભૂખ્યો ઉંઘી ગયો, કરે આહાર સ્વપ્નવશ થયો;

ભક્ષ કરે પણ માંહે ભૂખ, ઠાલીની ઠાલી રહે કુખ;

તેમ અખા સઘળો સંસાર, ત્રિગુણ ભોગનો કરતો આહાર.

સુખિયા દુખિયા દીસે બહુ, પણ માયાના કીધા છે સહુ;

સુખિયા પલમાં દુખિયા થાય, ધન તન લજ્જા ફીટી જાય;

રંક હોય તે થાયે રાય, અખા એહ માયા મહિમાય.

પલકે રિધ સિધ આવે ઘણી, જીવ જાણે હું સૌનો ધણી;

જેમ વરઘોડે મળી બહુ વના, પલક રહીને થાયે ફના;

અખા માયા કરે ફજેત, ખાતાં ખાંડ ને ચાવતાં રેત.

ઘોડાપુર આવે જેમ નદી, ક્ષણમાં સંપત્તિ દીસે વધી;

પળમાં તેનો થાયે વરો, જેવો છાશ તણો આફરો;

એમ સંસાર આવે ને જાય, અખા તેહને ક્યાં પ્રત્યવાય.

શબ્દજાળ માયાનું કુડ, ત્યાં નરપશુ પડે મતિમૂઢ;

શણગારી વાણી સૌ ગાય, ત્યાં મોહ્યા જીવ સાંભળવા જાય;

અખા શું વાંચ્યું સમજ્યો કશું, જેમ આંખનું કાજળ ગાલે ઘસ્યું.

સુકું જ્ઞાન ને વ્યંડળ મૂછ, કરપી ધન કુતરાનું પૂછ;

એ ચારેથી અર્થ ન થાય, સામું એબ ઉઘાડે કાય;

અખા અમલવિન હાકમ જશે, કથ્યું જ્ઞાન પણ હરિ નવ વસે.

ઘણા શબ્દ પડ્યા જે કાન, તેને તેનું લાગ્યું ધ્યાન;

કોઇ મુસળ પર વાહે વહ્યા, કોઇ શબ્દ ને ગ્રાહે ગ્રહ્યા;

એમ ગોથાં ખાતો સંસાર, અખા વિના વસ્તુવિચાર.

ડહાપણ ભોળપણ છાંડી રહે, આડ્ય કરે હરિ મારગ બે;

ભોળાંને અસુજની આડ્ય, વિચક્ષણ પડ્યો ચતુરાઇની ખાડ્ય;

અખા તરવું તેને માથે ભાર, હીરા છાર બે નાખે પાર.

રહેણી વિના કહેણી જે કથે, મહી વિના પાણી જે મથે;

જેમ કોયલ સુતને પાળે કાગ, વસંત ઋતુએ ઉડી જાય જાગ;

લક્ષ વિના કહેણી જોઇ અખે, ભક્તિ દંભ કુતર્ક જ્ઞાન લખે.

વિતંડ નર હોએ તે અસો, પોતાને નિશ્ચય નહીં કશો;

વાદ કર્યા ઉપર બહું હામ, લક્ષ વિના વિદ્યાની મામ;

ક્લેશ કરતાં કાપે કાળ, અખે વિતંડની કાઢી ભાળ.

જ્ઞાન ખળને ખળતાનો થાપ, કુટિલ યુક્તિ ઉપજે બહુ આપ;

જ્ઞાન વચનને આગળ કરે, ઓથે રહી વક્રમ આચરે;

વંદે ખરો પણ ખળતા કાજ, અખા તે સરખો અંતર બાહ્ય.

હવે નિંદકજ્ઞાની કહિયે સોય, પેલું દોષનું દર્શન હોય;

સંત સમાગમમાં તે ફરે, લાંછન જોઇને હૃદયે ધરે;

આત્મજ્ઞાન તણી કરે વાત, પણ નિંદકની અખા એવી ધાત;

અનુભવી આગળ વાદજ વદે, ઉંટ અગળ જેમ પાળો ખદે;

ઉંટ તણાં આઘાં મેલાણ, પાળાના તો છંડે પ્રાણ;

અખા અનુભવી ઈશ્વર રૂપ, સાગર આગળ શું કૂદે કૂપ.

જો જો રે મ્હોટાના બોલ, ઉજડ ખેડે વાગ્યો ઢોલ;

અંધે અંધ અંધારે મળ્યા, જેમ તલમાં કોદરા મળ્યા;

ઘેંસ ન થાય ન થાય ઘાણી, કહે અખો એ વાતો જાણી.

વ્યાસ વેશ્યાની એકજ પેર, વિદ્યા બેટી ઉછેરી ઘેર;

વ્યાસ કથા કરે ને રડે, જાણે દ્રવ્ય અદકેરું જડે;

જે જાણે વાંચ્યાની પેર, અખા કાં ન વાંચે પોતાને ઘેર.

ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શૂર;

સંસ્કૃત બોલ્યાથી શું થયું, શું પ્રાકૃતથી નાસી ગયું;

બાવનને સઘળો વિસ્તાર, અખા ત્રેપનમે જાણે પાર.

સંસ્કૃતને પ્રાકૃત વડે ભણે, કાષ્ઠ જેમ મધ્ય ભારા તણે;

છોડ્યા વોણો નાવે અર્થ, સંસ્કૃત તો પ્રાકૃતવિણ વ્યર્થ;

જ્યમ બાધા દામ વેપારી લખે, અખા વ્યાજ નહિ છૂટ્યા પખે.

પ્રાય પ્રપંચ આળપંપાળ, પંડિતે તેનાં ગુંથ્યાં જાળ;

શ્લોક સુભાષિત મીઠી વાણ, તેણે મોહ્યા કવિ અજાણ;

કહે અખો મર્મ સમજ્યા પખે, સંસ્કૃતનું પ્રાકૃત કરી લખે.

કવિએ શક્ય જણાવા કાજ, ગાજે જેમ રોહિણીનો ગાજ;

વૃષ્ટિ થવાને નવ ગડગડે, સામો અવધ્યથો પાછો પડે;

મિથ્યા સંસાર સાચો કવિ કવે, રખે અખા તું એવું લહે.

પૂજાવા મનમાં બૌ કોડ, શબ્દતણા જોડે છે જોડ;

ભૂખ્યો નર બહુ તક્રજ પીએ, જાણે ઉદર ભરીને પુષ્ટી પામીએ;

તેણે ધ્રાય નહીં ને વાધે રોગ, એક અખા નોહે આતમભોગને.

કવિ થૈને અધકું શું કવ્યું, જોતા નહીં બ્રહ્મ અણચવ્યું;

રાગદ્વેષની પૂંજી કરી, કવિ વ્યાપાર બેઠો આદરી;

તેમાં અખા શું પામે લાભ, વાયે ગયો જેમ સ્ત્રીનો ગાભ.

સ્રોત

  • પુસ્તક : કાવ્યપરિચય ભાગ 2 (પૃષ્ઠ ક્રમાંક 15)
  • સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
  • પ્રકાશક : ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
  • વર્ષ : 1928